14 December, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ ઍર પૉલ્યુશન અને નૉઇસ પૉલ્યુશનને લગતા નિયમો ન પાળીને એનો ભંગ કરનારા ૧૮ ડેવલપર્સને સ્ટૉપ વર્કની નોટિસ મોકલી છે.
NMMCએ આ બદલ કહ્યું હતું કે બૉમ્બે હાઈ કોર્ટે પ્રદૂષણને લગતી બાબતો યોગ્ય રીતે પાળવામાં આવે એ માટે ઍર પૉલ્યુશન, નૉઇસ પૉલ્યુશન અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કરવામાં આવતા બ્લાસ્ટને લઈને ગાઇડલાઇન બનાવી છે. એ માટે નવી મુંબઈ સુધરાઈએ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરી હતી અને પહેલી ઑગસ્ટે એ જાહેર પણ કરી હતી. ડેવલપર્સ અને આર્કિટેક્ટને પણ આ બાબતે મીટિંગ બોલાવીને જાણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો એનું યોગ્ય રીતે પાલન નહીં કરાય તો પેનલ્ટી લાગી શકે છે અને સ્ટૉપ વર્ક પણ કરાવી શકાય છે. એ પછી NMMCના ઑફિસરોએ જ્યારે આ બાબતે સાઇટ-વિઝિટ કરી ત્યારે તેમને જણાઈ આવ્યું હતું કે ૮૫ સાઇટ પર નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. એથી એમને નોટિસ આપવામાં આવી હતી. જોકે એમાંના ૧૮ પ્રોજેક્ટ પર તો SOP પ્રમાણે જે મૂળભૂત કાળજી લેવાની હતી એનું જ પ્રોવિઝન કરવામાં આવ્યું નહોતું એ જણાઈ આવતાં તેમને સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી હતી.