29 March, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પથ્થર વાગતાં ગંભીર ઈજા પામેલી મહિલા.
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા વિશે ફરી પાછા પ્રશ્નો ઊભા કરનારી ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી બદલાપુર જતી લોકલ ટ્રેન શુક્રવારે સાંજે ૭ વાગ્યે દાદર સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે ટ્રૅકની બાજુમાં ઊભેલા અજાણ્યા યુવકે લેડીઝ ડબ્બા પર પથ્થર ફેંક્યો હતો જે એક મહિલાને વાગતાં તે ગંભીર રીતે જખમી થઈ હતી. અચાનક બનેલી ઘટનાથી ડબ્બામાં પ્રવાસ કરતી મહિલાઓમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. આ મામલે દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધીને CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીની તપાસ હાથ ધરી છે.
દાદર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકલ ટ્રેન પર ફેંકાયેલો પથ્થર સીધો ડબ્બામાં બેસેલી મહિલાને વાગ્યો હતો જેમાં તેની જમણી આંખ અને કપાળ પાસે ગંભીર ઈજા થઈ હતી. પથ્થરનો ઘા વાગતાં મહિલાના માથામાંથી લોહી વહેવા માંડ્યું હતું. એ દૃશ્ય જોઈને ડબ્બામાં હાજર મહિલાઓ ગભરાઈ ગઈ હતી. ટ્રેન દાદર પ્લૅટફૉર્મ પર ઊભી રહેતાં અન્ય પ્રવાસીઓ અને રેલવે-સ્ટાફ તેની મદદે દોડી ગયા હતા અને જખમી મહિલાને તરત સ્ટેશનના મેડિકલ સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી હતી. એ પછી તેને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની ફરિયાદ નોંધીને અમે હુમલાખોરને પકડવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.’