હવે સાઉથ મુંબઈના કાપડબજારના વેપારીઓ પાસે મગાય છે ખંડણી

23 December, 2022 12:39 PM IST  |  Mumbai | Rohit Parikh

રોજ સવાર પડે એટલે કામગાર યુનિયનના નેતા તરીકે ઓળખ આપીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની પોલીસ-સ્ટેશનમાં અને માથાડી બોર્ડનાં ચૅરમૅનને કરી ફરિયાદ

મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.)-થાણેના સેક્રેટરી શરદ યાદવ

છેલ્લા થોડા સમયમાં મુંબઈ અને થાણેમાં માથાડી કામગાર યુનિયનોનો રાફડો ફાટ્યો છે. આમાંથી અમુક યુનિયનોના નેતાઓ કોઈ પણ બહાને ધમકીઓ આપીને વેપારીઓને હેરાન-પરેશાન કરવાનું જ કામ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જ લોઅર પરેલના દુકાનદારોની સમયસૂચકતાને લીધે પોતાને મહારાષ્ટ્ર સાઈસેવક માથાડી આણિ જનરલ કામગાર યુનિયન-વરલીના અધ્યક્ષ તરીકે ઓળખાવતી દેવરાજ નાગુલ્લા નામની વ્યક્તિની દુકાનદારો પાસે ખંડણી માગવાના આરોપસર એન. એમ. જોશી માર્ગે પોલીસે ધરપકડ કરી હતી.

આવી જ ‍હાલત સાઉથ મુંબઈના કાલબાદેવીની આસપાસ આવેલી હોલસેલ કાપડબજારના વેપારીઓની છે. ત્યાં પણ રોજ સવાર પડે એટલે કામગાર યુનિયનના નેતા તરીકે ઓળખાણ આપીને શરદ યાદવ અને તેના સાગરીતો વેપારીઓ પાસે ખંડણી માગી રહ્યા છે. ગઈ કાલે ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.)-થાણેના સેક્રેટરી શરદ યાદવ અને તેના સાગરીતો સામે એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશન અને ભુલેશ્વરમાં આવેલાં માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરને ફરિયાદ કરવામાં આવી હતી. ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી કપડાંના વેપારીઓને આવા લેભાગુ યુનિયન નેતાઓથી ભયભીત થયા વગર ભારત મર્ચન્ટ્સ ચેમ્બરમાં અને નજીકના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી અનુરોધની સાથે શરદ યાદવનો ફોટો પણ વેપારીઓમાં વાઇરલ કરીને તેનાથી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે.  

કેવી રીતે માગે છે ખંડણી?
કાપડબજાર હજી કોરાનાકાળની મંદીમાંથી બહાર આવી નથી. આ બજારના વેપારીઓ અને દુકાનદારો આજે પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી માથાડી કામગાર યુનિયનના નામે અમુક યુનિયનના વર્કરોએ આ વેપારીઓ પાસેથી તેમના અકાઉન્ટ્સની અને અન્ય બિઝનેસની માહિતીની માગણી કરીને ખંડણી વસૂલ કરવાની શરૂઆત કરી છે. આ માહિતી આપતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના સમયથી કાપડબજારના ગુજરાતી અને મારવાડી વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આ ઓછું હોય એમ છેલ્લા થોડા મહિનાઓથી મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયર (રજિ.)-થાણેના સેક્રેટરી શરદ યાદવ અને તેના સાગરીતો અમારી બજારોમાં આવીને દુકાનદારો અને વેપારીઓ પાસેથી તેમના અકાઉન્ટ્સની અને અન્ય બિઝનેસની માહિતીની માગણી કરે છે. જોકે માથાડી બોર્ડના ચૅરમૅન સુનીતા મ્હેસકરના કહેવા પ્રમાણે તેમની પાસે બાવન માથાડી યુનિયનો રજિસ્ટર્ડ છે. જોકે આમાંથી એક પણ યુનિયનના નેતા કે પદાધિકારીને કોઈ પણ દુકાનો કે ગાદી પર જઈને તેમના બિઝનેસની માહિતી માગવાની સત્તા આપવામાં આવી નથી. જો કોઈ નેતા આ રીતે કાર્ય કરે છે તો એનાથી માથાડી બોર્ડનું નામ ખરાબ થાય છે. આવા નેતાઓ સામે વેપારીઓ માથાડી બોર્ડમાં આવીને કે હેરાન કરતા માથાડી નેતાના ફોટો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે.’

બોર્ડમાં અને પોલીસમાં ફરિયાદ
અમે માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરના માર્ગદર્શન મુજબ અમારા વેપારીઓને ગઈ કાલે એક પરિપત્ર મોકલીને આવા લેભાગુ માથાડી નેતાથી સાવધાન રહેવા કહ્યું છે. આ જાણકારી આપતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના સેક્રેટરી અજય સિંઘાણિયાએ કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે જ ફરીથી શરદ યાદવ અને તેના સાગરીતોની હેરાનગતિ સામે માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકર અને એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બંને ઑથોરિટીએ અમને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.’

પોલીસ શું કહે છે?
એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનોજ શેગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી શરદ યાદવ અને તેના સાગરીતો સામે ખંડણી વસૂલ કરવાની ફરિયાદ મળી છે. અમે શરદ યાદવને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

શરદ યાદવ શું કહે છે?
મારી પાસે મારા વર્કરની વેપારીઓ સામે તેઓ માથાડીમાં રજિસ્ટર્ડ નથીની સતત ફરિયાદો આવે છે એવી સ્પષ્ટતા કરતાં મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયર (રજિ.)-થાણેના સેક્રેટરી શરદ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે કામદારોની ફરિયાદો આવ્યા પછી હું જે-તે વેપારીઓને જઈને અમારા માથાડીને કામ આપવા માટે વિનંતી કરું છું. હું કે મારા કાર્યકરો કોઈ પણ વેપારીઓ પાસે ધાકધમકી આપીને ખંડણીની માગણી કરતા નથી. અમારી તો એક જ માગ છે કે અમારા કામદારોને કામ આપો.’

લોઅર પરેલમાં શું બન્યું હતું? 
લોઅર પરેલમાં મેહુલ ગાલાની મેન્સવેરની પ્લસ પૉઇન્ટ નામની દુકાન છે. છેલ્લા ત્રણ દિવસથી તેની દુકાનમાં ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે મહારાષ્ટ્ર સાઈસેવક માથાડી આણિ જનરલ કામગાર યુનિયન-વરલીની દેવરાજ નાગુલ્લા નામની વ્યક્તિ અને તેના સાથીદારે આવીને મેહુલને તેની ઓળખાણ માથાડી કામગારના અધ્યક્ષ તરીકે આપીને તેનું કામ બંધ કરાવ્યું હતું.

મેહુલને દેવરાજ નાગુલ્લાએ કહ્યું કે તારી દુકાનમાં મરાઠી સ્થાનિક માણસો સિવાય બીજા કોઈ પાસે કામ કરાવે છે, તું અમારી પરવાનગી સિવાય બીજા કોઈ પાસે કામ કરાવી શકે નહીં. આમ કહીને તેણે મેહુલની સાથે ઝઘડો કર્યો હતો અને ધાકધમકીની ભાષામાં વાત કરીને તેનું ફર્નિચરનું કામ રોકાવી દીધું હતું. ત્યાર પછી તેણે મેહુલને આ મુદ્દે સેટલમેન્ટ કરવા કહ્યું હતું.

જોકે વેપારીઓએ એક થઈને મેહુલ સાથે સેટલમેન્ટ કરવા માટે આવેલા બનાવટી માથાડી કામદારોને ટ્રૅપમાં લીધા હતા, તેની પાસે તેઓ બનાવટી માથાડી કામદાર હોવાનું કબૂલ કરાવ્યું હતું અને તેની પાસે લેખિતમાં માફી પણ મગાવી હતી. ત્યાર બાદ એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરીને બનાવટી માથાડી કામદારોની ધરપકડ કરાવી હતી.

mumbai mumbai news south mumbai rohit parikh