08 August, 2026 01:07 PM IST | Thane | Gujarati Mid-day Correspondent
થાણે સ્ટેશન પર મહિલાઓના ડબ્બામાં સાપ હોવાની અફવા ફેલાયા બાદ ટ્રેન ખાલી કરાવવામાં આવતાં પ્લૅટફૉર્મ પર ઊભેલા પ્રવાસીઓ.
ડોમ્બિવલીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ધીમી લોકલમાં શુક્રવારે સવારના સમયે મહિલાઓના ડબ્બામાં સાપ આવ્યો હોવાની અફવાને કારણે ઇમર્જન્સી ચેઇન ખેંચવામાં આવી હતી. એને કારણે થાણે સ્ટેશન પર આશરે ૧૨ મિનિટ સુધી ટ્રેન ઊભી રાખવામાં આવી હતી. ત્યાર પછી મુલુંડ અને નાહૂર સ્ટેશન પર પણ આ ટ્રેન ઊભી રાખવામાં આવી હતી. આખરે કુર્લામાં ટ્રેન ઊભી રાખીને મહિલાના ડબ્બામાંથી બધા જ પ્રવાસીઓને બહાર કાઢીને સર્પમિત્રોને બોલાવીને ડબ્બો ચેક કરવામાં આવ્યો હતો. જોકે ડબ્બામાંથી કોઈ સાપ મળી આવ્યો નહોતો.
સવારના સમયે જ આ ઘટના બનતાં ઑફિસ તથા કામ પર જનારા લોકોને કામે પહોંચવામાં મોડું થયું હતું. ૪ વખત ટ્રેન ઊભી રાખવામાં આવતાં પાછળની ૨૦ લોકલ ટ્રેનો પણ મોડી પડી હતી. સૌપ્રથમ સવારે ૮.૪૯ વાગ્યે સાપ હોવાની અફવા ફેલાતાં ચેઇન-પુલિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ટ્રેનો મોડી પડતાં લોકલ ટ્રેનોમાં અને પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓની ભીડ જામી હતી. આ ઘટના બાદ મહિલાઓના ડબ્બામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની બે મહિલા જવાનોને તહેનાત કરવી પડી હતી.