25 August, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોઇસરમાં નવા બનેલા રોડ પર એક કલાકમાં ૬ બાઇકસવાર લપસ્યા
પાલઘર જિલ્લાના બોઇસરમાં સિડકો બાયપાસ રોડ પર એક જ કલાકમાં એક જ જગ્યાએ ૬ ટૂ- વ્હીલર સ્લિપ થઈ ગયાં હોવાની ચિંતાજનક ઘટના બની હતી. ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોતાં ખ્યાલ આવ્યો હતો કે શનિવારે એક કલાકમાં આ જગ્યા પર ૬ બાઇક સ્કિડ અથવા તો સ્લિપ થઈ ગઈ હતી. એમાં લગભગ ૧૨થી ૧૩ લોકોને ઈજા પણ થઈ હતી. જોકે આ દરમ્યાન વધુ ગંભીર અકસ્માત નોંધાયો નહોતો. નવા બનેલા રોડની ગુણવત્તા સારી ન હોવાને કારણે આવા અકસ્માતો થાય છે એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તેથી આ રોડને તાત્કાલિક સુધારવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે. આ વિડિયો વાઇરલ થતાં ઘણા લોકોએ કમેન્ટમાં રસ્તાનો વાંક નહોતો કાઢ્યો, પણ આ જગ્યાએ કોઈ ભૂત-પ્રેતને કારણે પણ એકસાથે આવા બનાવ બન્યા હોવાની મજાક પણ કરી હતી.