પ્રેમી-પ્રેમિકાની બ્રેકઅપ સ્ટોરીને પગલે MPSC પેપર-લીકનો ભાંડો ફૂટ્યો

27 August, 2026 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના ઉચ્ચ અધિકારીઓ સહિત ૬ની ધરપકડ, પેપર-લીક થવાને પગલે ફરીથી લેવાશે પરીક્ષા

ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં પોતાને વ્હિસલબ્લોઅર ગણાવનારા લોકેશ તથા ઋતુજના પપ્પા અને MPSCના એડિશનલ સેક્રેટરી સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.

નૅશનલ એલિજિબિલિટી અૅન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપક-લીક થયાને પગલે આખા દેશમાં બબાલ થઈ ત્યારે હવે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) દ્વારા લેવામાં આવતી ગ્રુપ ‘બી’ની ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA)ની પરીક્ષા પેપર ફૂટી ગયું હોવાને પગલે રદ કરવામાં આવી છે. એક બ્રેકઅપ સ્ટોરીને કારણે આખા પેપર-લીકનો મામલો સામે આવ્યો છે.  

સ્ક્રીનિંગ એક્ઝામિનેશન થાય એ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું જેને પગલે હવે ગ્રુપ-બીના હોદ્દા માટેની એક્ઝામ ફરીથી લેવામાં આવશે. બાવીસ અને ૨૬ જુલાઈ દરમ્યાન લેવામાં આવેલી એક્ઝામ દરમ્યાન અનેક ઉમેદવારોએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. ૨૭ જુલાઈએ ઉમેદવારોએ મુંબઈ પોલીસ કમિશનર પાસે જઈને આ મુદ્દે તપાસ કરવાની માગણી કરતાં આખો મુદ્દો સામે આવ્યો હતો. ડ્રગ ઇન્સ્પેક્ટર રિક્રુટમેન્ટ માટેની આ એક્ઝામ ફરીથી લેવામાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે.

કેવી રીતે બે પ્રેમીઓએ હજારો પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફેરવ્યું
MPSCની પરીક્ષામાં સાતમે ક્રમે પાસ થયેલી ઋતુજા પાટીલના પપ્પાએ એક મિડલ મૅન થકી MPSCના અધિકારીઓ પાસેથી પેપર ખરીદ્યું હતું.
લોકેશ ઉર્ફે ગૌરવ પાટીલના ભાઈને પણ પરીક્ષા આપવાની હોવાથી બાવીસ માર્ચની પરીક્ષાના બે દિવસ પહેલાં તેની ગર્લફ્રેન્ડ ઋતુજાએ પેપર મોકલાવ્યું હતું.
રિઝલ્ટ આવે એ પહેલાં લોકેશ અને ઋતુજાનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઋતુજા સાતમા ક્રમે પાસ થવાથી તેને ગવર્નમેન્ટ જૉબ મળી જશે એ બીકે લોકેશે જાતે જ પેપર-લીકની ફરિયાદ કરી દીધી.
ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ પેપર-લીકની આખી કડી સામે આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં પોતાને વ્હિસલબ્લોઅર ગણાવનારા લોકેશ તથા ઋતુજના પપ્પા અને MPSCના અૅડિશનલ સેક્રેટરી સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.
ઋતુજાને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

mumbai news mumbai maharashtra news maharashtra government maharashtra crime branch Crime News