BMCના ત્રણ અધિકારીઓ સહિત ૧૩ લોકો સામે FIR નોંધીને ૮ સ્થળે દરોડા

07 May, 2025 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીઠી નદીમાંથી ગાળ કાઢવાના ૧૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં કાર્યવાહી શરૂ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

૨૦૦૫થી ૨૦૨૧ દરમ્યાન મીઠી નદીમાંથી ગાળ કાઢીને સફાઈ કરવા પાછળ ૧૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યા બાદ ૨૦૨૪માં આ બાબતની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગઠિત કરવામાં આવી હતી. SITએ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ત્રણ અધિકારી, પાંચ કૉન્ટ્રૅક્ટર્સ, ત્રણ ‌મિડલમેન અને બે પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવાનો આદેશ આપ્યો હતો. આથી EOWએ વિવિધ કલમ અંતર્ગત ૧૩ લોકો સામે FIR નોંધીને ૮ સ્થળે દરોડા પાડ્યા હોવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું.

EOWના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦-બી અંતર્ગત BMCના અસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામગુડે; ડેપ્યુટી ચીફ એન્જિનિયર્સ ગણેશ બેન્દ્રે અને પ્રશાંત તાયશેટ્ટે; ઍક્યુટ ડિઝાઇનિંગ, કૈલાસ કન્સ્ટ્રક્શન કંપની, એન. એ. કન્સ્ટ્રક્શન, નિખિલ કન્સ્ટ્રક્શન અને જે. આર. એસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર્સ દીપક મોહન, કિશોર મેનન, જય જોશી, કેતન કદમ અને ભૂપેન્દ્ર પુરોહિત સામે FIR નોંધીને આરોપીઓનાં ૮ સ્થળે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

૨૦૦૫થી ૨૦૨૧ દરમ્યાન મીઠી નદીને સાફ કરવા માટે ૧૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થયા બાદ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં આ મામલાની તપાસ કરવા માટે રાજ્ય સરકારે SIT ગઠિત કરી હતી. નદીની સફાઈ કરવા માટે ૧૮ કૉન્ટ્રૅક્ટરને કામ આપવામાં આવ્યું હતું. આ તમામ કૉન્ટ્રૅક્ટરોની SITએ તપાસ કરી હતી.

mithi river brihanmumbai municipal corporation directorate of enforcement indian economy mumbai police mumbai news mumbai news