ગૌશાળાની ગાયોનું સ્થળાંતર રોકવા માટે રવિવારે મૌન રૅલી

21 January, 2023 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રૅલીમાં હજારોની સંખ્યામાં જૈન, ગુજરાતી અને કચ્છી સમાજના લોકો જોડાવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : મુલુંડમાં એલબીએસ રોડ પર નથુલાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી ગૌશાળામાંની ગાયોને ટ્રસ્ટ દ્વારા જગ્યાનો અભાવ કહીને શિફ્ટ કરવામાં આવી રહી હોવાથી મુલુંડની જનતાનો આક્રોશ હોવાનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગોભક્તો ગાયો શિફ્ટ ન થાય એ માટે કોર્ટમાં સ્ટે-ઑર્ડર માટે પણ ગયા છે જેની પ્રથમ તારીખ ૨૪ જાન્યુઆરી છે. જોકે એ પહેલાં આ ગાયોને શિફ્ટ ન કરવામાં આવે એ માટે મુલુંડના બધા સમાજના લોકોએ ભેગા થઈને રવિવારે મૌન રૅલીનું આયોજન કર્યું છે. મુલુંડમાં સૌથી મોટો સમાજ જૈનોનો હોવાથી આ રૅલીની શરૂઆત ઝવેર રોડના દેરાસરથી કરવામાં આવશે અને એનો અંત ગૌશાળા ખાતે કરવામાં આવશે. આ રૅલીનો પ્રચાર સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હોવાથી રૅલીમાં આશરે ત્રણ હજારથી ચાર હજાર લોકો હાજર રહે એવી શક્યતા જોતાં મુલુંડ પોલીસ બંદોબસ્તમાં લાગી છે.

મુલુંડની ગૌશાળાના સ્થળાંતર સામે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. એમાં રવિવારે સવારે ૯ વાગ્યે ઝવેર રોડના દેરાસર પાસેથી મૌન રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર સદી જૂની એક ગૌશાળા આવેલી છે, જેનું સંચાલન નથુલાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. ગૌશાળાની બાજુમાં આવેલા એક ડેવલપર દ્વારા અહીં નવું કન્સ્ટ્રક્શન તૈયાર થવાનું હોવાથી ગાયોને શિફ્ટ કરવામાં આવી રહી હોવાનો ગોભક્તોએ દાવો કર્યો હતો. ભૂતકાળની વિશાળ ગૌશાળા હવે માત્ર એક એકરમાં સંકેલાઈ ગઈ છે અને એમાં પણ અત્યારે અહીંની સાડાત્રણસો ગાયોને જગ્યાનો અભાવ બતાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરીને આ ગૌશાળાને ખાલી કરવાનો પ્રયત્ન ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો હોવાનો દાવો ગોભક્તોએ કર્યો હોવાથી જીવદયાપ્રેમીઓ અને ગોભક્તપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સ્થળાંતરના નિષેધ માટે બધા સમાજના પ્રતિનિધિઓની સભા કરવામાં આવી હતી, જેમાં ગૌશાળાને અહીંથી સ્થળાંતર ન કરવાનો સૂર ઊઠ્યો હતો. ત્યાર બાદ કચ્છી, ગુજરાતી, જૈન સહિત અન્ય કેટલાક સમાજના પ્રમુખોએ રવિવારે મૌન રૅલી કાઢવાનો નિર્ણય લીધો હતો.

મુલુંડમાં રહેતા ગોભક્ત ચેતન ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા કેટલાક દિવસોમાં મુલુંડના બધા સમાજોના પ્રમુખોને ગૌશાળા વિશેની માહિતી આપી હતી અને એ તમામે અમારી સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. રવિવારે સવારે ૯ વાગ્યે આ રૅલી ઝવેર રોડના જૈન દેરાસરથી શરૂ થઈને પી. કે. રોડ પાંચ રસ્તા, એમ. જી. રોડ અંબાજીધામ મંદિર, ભક્તિ માર્ગ, બાલરાજેશ્વર મંદિર, એલબીએસ માર્ગ, સંતોષી માતા મંદિર અને અંતે નથુલાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ ગૌશાળામાં પહોંચશે. અમે બધા સમાજના ગૌરક્ષકોને સંદેશ આપ્યો છે એટલે આ રૅલીમાં ચારેક હજાર લોકો જોડાય એવી શક્યતા છે. રૅલી માટે પોલીસ અને ટ્રાફિક પોલીસની પરમિશન લેવામાં આવી છે જેથી સામાન્ય જનતાને કોઈ પરેશાની ન થાય. આ રૅલી મૌન હશે.’

mumbai mumbai news mulund