09 February, 2025 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ વાલકર અને શ્રદ્ધા વાલકર (તસવીર: મિડ-ડે)
શ્રદ્ધા વાલકર જેની મે 2022 માં દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યારાએ શ્રદ્ધાના શરીરના ટુકડા પણ કરી નાખ્યા હતા. આ ઘટનાથી આખું દેશ હચમચી ગયું હતું, જોકે હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે શ્રદ્ધા માટે ન્યાયની માગણી કરનાર તેના પિતાનું આજે વહેલી સવારે વસઈમાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું છે.
વિકાસ વાલકર તેમના પુત્ર સાથે વસઈમાં રહેતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે તેની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેમનો દીકરો તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મિડ-ડે સાથે વાત કરતા, ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પૂર્ણિમા ચૌગુલે-શ્રિંગીએ જણાવ્યું હતું કે, " વિકાસ વાલકરનું મૃત્યુ હાર્ટ ઍટેકને કારણે થયું હોવાનું પ્રથમ તપાસમાં જાણવા મળ્યું છે. કોઈ મેડિકો લીગલ કેસ (MLC) દસ્તાવેજ તૈયાર ન થયો હોવાથી, વિકાસ વાલકરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ વસઈ પોલીસે આપ્યો છે. આ મામલે હજી વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે."
વસઈ પોલીસે તેના મૃત્યુની આસપાસના સંજોગોની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. વિકાસ વાલક તેમની પુત્રી માટે ન્યાય માટે લડી રહ્યા હતા. પીડિત શ્રદ્ધા વાલકરના અંતિમ સંસ્કાર હજી સુધી કરવામાં આવ્યા નથી. શ્રદ્ધાના અવશેષો - દિલ્હી પોલીસે મેહરૌલી જંગલમાંથી એકત્રિત કરેલા હાડકાં - હજુ સુધી તેના પરિવારને સોંપવામાં આવ્યા નથી. પુત્રીની યાદમાં, તેમણે ગયા વર્ષે શ્રદ્ધા વાલ્કર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ સંસ્થા મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ન્યાય મેળવવા માગતા વંચિત પરિવારોને મફત કાનૂની સહાય પૂરી પાડે છે.
આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી તેના અવશેષોને મહેરૌલીમાં પોતાના ભાડાના ઘરમાં રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. શ્રદ્ધાની હત્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શ્રદ્ધાના પિતા વિકાસે હજી સુધી દીકરીના અંતિમ સંસ્કાર કર્યા નથી, તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેમની દીકરીના બોયફ્રેન્ડને ફાંસી આપવામાં નહીં આવ્યા ત્યાં સુધી તે શ્રદ્ધાના અવશેષોનું અગ્નિસંસ્કાર કરશે નહીં.
વિકાસે શરૂઆતમાં ૧૫ ઑગસ્ટ, ૨૦૨૨ ના રોજ વસઈના માણિકપુર પોલીસનો સંપર્ક કર્યો અને શ્રદ્ધા ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ કરી, પરંતુ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અને ડિવિઝનલ આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી)નો સંપર્ક કર્યો, જેમણે ૬ ઑક્ટોબર, ૨૦૨૨ ના રોજ માણિકપુર પોલીસને ગુમ વ્યક્તિનો રિપોર્ટ નોંધવા સૂચના આપી. આ નિર્દેશ છતાં, રિપોર્ટ ફક્ત ૧૨ ઑક્ટોબરના રોજ જ દાખલ કરવામાં આવ્યો. વિકાસે પોલીસનો પ્રથમ સંપર્ક કર્યાના લગભગ ૯૦ દિવસ પછી, આખરે ૧૧ નવેમ્બરના રોજ પૂનાવાલાની ધરપકડ કરવામાં આવી હતી, અને હાલમાં તે જેલમાં છે.