21 January, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગેશ મહાજન (ડાબે) અને અમન જાયસવાલ.
‘શિવ શક્તિ - તપ ત્યાગ તાંડવ’ના ઍક્ટર યોગેશ મહાજનનું રવિવારે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું છે. તેણે આ શોમાં શુક્રાચાર્યનો રોલ ભજવ્યો હતો. યોગેશ મહાજનનું મૃત્યુ તેના
ફ્લૅટમાં જ થયું હતું. હકીકતમાં સિરિયલના સેટ પાસે જ તેમનો અપાર્ટમેન્ટ હતો અને તેઓ જ્યારે શૂટિંગ માટે ન આવ્યા ત્યારે ક્રૂ-મેમ્બર્સે ઘરે જઈને તપાસ કરી ત્યારે દરવાજો ન ખૂલ્યો. એ પછી દરવાજો તોડવો પડ્યો જેમાં તેના મૃત્યુની હકીકત જાણવા મળી હતી. યોગેશ મહાજનના પરિવારમાં પત્ની અને ૭ વર્ષનો દીકરો છે. તેણે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
આ પહેલાં ટીવી-ઍક્ટર અમન જાયસવાલનું રોડ–ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. તેણે ટીવી-શો ‘ધરતીપુત્ર નંદિની’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમન ઑડિશન માટે જઈ રહ્યો હતો ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને ટ્રકે ઉડાડી દીધી હતી. અકસ્માત બાદ તેને કામા હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં અડધા કલાક બાદ તેનું મૃત્યુ થયું હતું. અમન જાયસવાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. તેના આકસ્મિક અવસાનથી તેના મિત્રો, પરિવારજનો અને ચાહકોને ભારે દુઃખ થયું છે.