07 September, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનિવારે પાલઘરની હૉસ્પિટલમાં વિવાદ કરી રહેલા શિવસેનાના કાર્યકરો.
દહીહંડી ઉત્સવ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદાઓના મેડિકલ બિલની ચુકવણીના મુદ્દે પાલઘરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઘૂસીને સ્ટાફ સાથે મારપીટ, ગાળાગાળી કરવા અને ધમકી આપવા બદલ શિવસેનાના પાલઘર જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ તેમ જ સ્થાનિક વિધાનસભ્યના પુત્ર સહિત ૧૭ લોકો સામે રવિવારે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર જે ૧૭ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે એમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન સાંખે, શહેર પ્રમુખ રાહુલ ઘરાટ અને વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિતનો સમાવેશ થાય છે.
ઘટનાની વિગત
શનિવારે રાત્રે શિવસેનાના કાર્યાલયની બહાર યોજાયેલા દહીહંડીના કાર્યક્રમમાં માનવ-પિરામિડ પરથી પડી જતાં પાંચ ગોવિંદાઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું કુલ મેડિકલ બિલ ૧૯,૮૬૬ રૂપિયા થયું હતું, જેમાંથી ૧૦,૦૦૦ રૂપિયા રોકડા જમા કરાવવામાં આવ્યા હતા. બાકીની રકમ ચૂકવ્યા વિના જ દરદીઓને ડિસ્ચાર્જ કરવાની માગણી સાથે આ વિવાદ શરૂ થયો હતો.
શનિવારે રાતે ૧.૧૫ વાગ્યે ૧૫થી ૨૦ લોકોનું ટોળું હૉસ્પિટલના કૅઝ્યુઅલ્ટી વૉર્ડમાં ઘૂસી ગયું હતું. તેમણે ડ્યુટી પરના ડૉક્ટર સાથે ગાળાગાળી કરી હતી અને ૨૩ વર્ષના બિલિંગ રિસેપ્શનિસ્ટને તમાચો મારી દીધો હતો. આ ટોળું બળજબરીપૂર્વક ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં પણ ઘૂસી ગયું હતું, જેનાથી ત્યાં દાખલ અન્ય દરદીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ લોકો ICUમાંથી એક ઈજાગ્રસ્ત ગોવિંદાને બળજબરીથી બહાર લઈ ગયા હતા.
બિલિંગ રિસેપ્શનિસ્ટની ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.