17 February, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષવર્ધન સપકાળ
શિવસેના (UBT)એ સોમવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી ટીપુ સુલતાન સાથે કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિનજરૂરી રીતે મુદ્દો આપ્યો છે.
શિવસેના (UBT)એ એના મુખપત્ર ‘સામના’માં કહ્યું હતું કે ‘BJPએ હંમેશની જેમ ટીપુ સુલતાન વિવાદને હિન્દુ-મુસ્લિમ રંગ આપ્યો છે. ટીપુ સુલતાનને પાકિસ્તાનમાં હીરો માનવામાં આવે છે, પરંતુ BJP ભારત-પાકિસ્તાન ક્રિકેટ-મૅચને મંજૂરી આપવામાં ખોટું માનતી નથી.’
માલેગાવ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનના ફોટોને લઈને શનિવારે વિવાદ ફાટી નીકળ્યો હતો જેનો શિવસેનાના કૉર્પોરેટરો અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને તેમણે સ્વરાજ્યનો વિચાર રજૂ કરવાની રીત તરફ ધ્યાન દોરતાં હર્ષવર્ધન સપકાળે ટીપુ સુલતાને અંગ્રેજો સામે આપેલા યુદ્ધના આહ્વાનનું ઉદાહરણ આપ્યું હતું અને દાવો કર્યો હતો કે આ એ જ રીતે વ્યક્ત કરાયેલો આદર્શ હતો. ‘સામના’માં જણાવવામાં આવ્યું હતું કે ‘ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવરાય સાથે કરવી એ નિંદનીય છે. ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરીને હર્ષવર્ધન સપકાળે BJPને બિનજરૂરી રીતે મુદ્દો આપ્યો છે. BJPએ ભૂતકાળમાં ઘણી વખત ટીપુ સુલતાનનું સન્માન કર્યું છે અને હવે એ પોતાના ફાયદા માટે તેની કબર ખોદીને એમાં પડી ગઈ છે. BJPએ એક વાર ટીપુ સુલતાનનું નામ એક રસ્તાને આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.’
એકનાથ શિંદેએ પણ શિવસેના (UBT)ની ભાવનાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ અને ટીપુ સુલતાનની તુલના ન કરી શકાય. છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના દેવતા છે અને અમે તેમના સિદ્ધાંતો અનુસાર કામ કરીએ છીએ. હું એવા લોકોની નિંદા કરું છું જેઓ છત્રપતિ શિવાજી મહારાજ અને ટીપુ સુલતાનની તુલના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો આ મુદ્દા દ્વારા વોટ-બૅન્કની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સમાજમાં વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરશે.’
મીરા રોડના ટીપુ સુલતાન ચોકનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવશે BJP
ટીપુ સુલતાન વિવાદ વધુ તીવ્ર બનતાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ની આગામી પ્રથમ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) મીરા રોડના ટીપુ સુલતાન ચોકનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.
એક અખબારી અહેવાલ મુજબ પહેલી બેઠક ૧૮ ફેબ્રુઆરીએ યોજાવાની ધારણા છે. ટીપુ સુલતાન ચોક મીરા રોડના નયાનગર તરફ જતા રસ્તા પર આવેલો છે અને થોડાં વર્ષો પહેલાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ પણ કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો ટીપુ સુલતાન ચોકનું નામ બદલી નાખશે.
તાજેતરમાં પૂર્ણ થયેલી MBMC ચૂંટણીમાં ૯૫માંથી ૭૮ બેઠક BJPએ, ૩ શિવસેનાએ અને ૧૩ કૉન્ગ્રેસે જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે મેળવી હતી.