છેલ્લા બે દિવસની ઘટનાઓ દર્શાવે છે કે ખુરસી માનવી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે

01 February, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે નવા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો શપથગ્રહણ સમારોહ મોડો થવો જોઈતો હતો

સંજય શિરસાટ

મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે શનિવારે કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ વિમાન-દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુના થોડા દિવસો પછી નવા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો શપથગ્રહણ સમારોહ મોડો થવો જોઈતો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘટનાક્રમ દર્શાવે છે કે ખુરસી માનવી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આ ઉતાવળ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના આંતરિક રાજકારણનું પરિણામ છે.

બારામતી ખાતે થયેલી દુ:ખદ વિમાન-દુર્ઘટનામાં અજિત પવારના નિધન પછી ૪ દિવસમાં જ રાજકીય ગતિવિધિઓ વચ્ચે તેમનાં પત્ની સુનેત્રા પવારે NCP વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચૂંટાઈને પછી સાંજે પાંચ વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા એ વિશે સંજય શિરસાટે કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસની ઘટનાઓ દર્શાવે છે કે ખુરસી માનવી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય લોકોને આ ગમતું નથી. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ શપથગ્રહણ સમારોહ થોડા સમય પછી થવો જોઈતો હતો. અજિત પવારના અવસાન પછી આપણે જે ઘટનાઓ જોઈ રહ્યા છીએ એ કોઈ દિવસ બનવાની હતી, પરંતુ સુનેત્રા પવાર આટલાં વહેલાં મુંબઈ જવા રવાના થઈ રહ્યાં છે. તેમના (NCP) પક્ષના નેતાઓનાં નિવેદનો અમારા મનને સ્વીકાર્ય નથી. ઉતાવળ શું છે? શપથગ્રહણ સમારોહ એક અઠવાડિયા પછી પણ થઈ શક્યો હોત.’ 

અજિત પવારના મૃત્યુ પછી બદલાયેલા રાજકીય માહોલને કારણે NCP અને શરદ પવારની આગેવાની હેઠળના NCP (SP)ના વિલીનીકરણમાં હવે ઘણો સમય લાગી શકે છે એમ જણાવીને સંજય શિરસાટે કહ્યું હતું કે ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે વિલીનીકરણ માટે બેઠકો યોજાઈ હતી. પહેલાં કોઈએ અજિત પવારના નિર્ણયનો વિરોધ કર્યો નહોતો, પરંતુ હવે જ્યારે તેઓ રહ્યા નથી તો (વિલીનીકરણ અંગે) નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે. પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે.’

mumbai news mumbai shiv sena nationalist congress party ajit pawar sunetra pawar maharashtra government maharashtra political crisis