BJPના નેતાની જીભ લપસી અને વિવાદ ફાટી નીકળ્યો

20 September, 2025 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCP (SP)ના નેતા જયંત પાટીલ વિશે બહુ હલકા શબ્દોમાં કમેન્ટ કરનાર ગોપીચંદ પડળકર વિશે ફરિયાદ કરવા શરદ પવારે ફોન કર્યો દેવેન્દ્ર ફડણવીસને, ચીફ મિનિસ્ટર વઢ્યા પોતાના નેતાને

શરદ પવારની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટી ( BJP)ના નેતા ગોપીચંદ પડળકરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદ પવાર-SP)ના નેતા જયંત પાટીલ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને એની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી છે. NCP (SP)ના વડા શરદ પવારે પણ આ બાબતને ગંભીરતાથી લઈને સીધો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફોન કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.

શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસને ફોન કરીને કહ્યું હતું કે ‘આ રીતે આટલા નીચલા સ્તરે જઈને ટીકા કરવી યોગ્ય નથી. અમે આ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ.’

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગોપીચંદ પડળકરે કરેલું વક્તવ્ય યોગ્ય નથી. કોઈના પણ પિતા વિશે બોલવું ખોટું છે. આ બાબતે મેં ગોપીચંદ પડળકર સાથે પણ વાત કરી છે. શરદ પવારસાહેબનો પણ ફોન આવ્યો હતો. તેમને પણ મેં કહ્યું છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટનું અમે સમર્થન નહીં કરીએ. પડળકર આક્રમક અને યુવાન નેતા છે. બોલવાનો ખરેખર શું અર્થ નીકળશે એના પર તે ધ્યાન નથી આપતા. ભવિષ્યમાં તે મોટા નેતા બની શકે એવી તક છે એટલે બોલવાનો શું અર્થ નીકળશે એ તેમણે ધ્યાનમાં રાખીને જ બોલવું જોઈએ.’ 
ગોપીચંદ પડળકરે પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો ફોન આવ્યો હતો અને તેમણે આવાં નિવેદનો ન કરવા મને કહ્યું હતું.

જયંત પાટીલ પર કરાયેલી એ ટીકા બાદ NCP આ મુદ્દે આક્રમક બની ગઈ હતી અને તેમના દ્વારા ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. પડળકરના વિરોધમાં સાંગલીમાં અને જતમાં આંદોલન કરવામાં આવ્યાં હતાં.

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે આ બાબતે કહ્યું હતું કે ‘કોઈ પણ રાજકીય પક્ષનો કોઈ પણ માણસ હોય તો પણ આપણા મહારાષ્ટ્રની એક અલગ પરંપરા, એક અલગ સંસ્કૃતિ છે. મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન તરીકે સ્વર્ગીય યશવંતરાવ ચવાણે સુસંસ્કૃતપણું રાજકારણમાં દેખાવું જોઈએ એમ કહ્યું હતું. દરેક વ્યક્તિએ બોલતી વખતે, વર્તન કરતી વખતે આવી રીતે કોઈને ઉદ્દેશીને કરેલાં આવાં હલકાં સ્ટેટમેન્ટ્સ બહુ જ દુ:ખ પહોંચાડનારાં હોય છે. એથી આ રીતનાં સ્ટેટમેન્ટ્સ કરવાં ન જોઈએ.’

ગોપીચંદ પડળકરે જયંત પાટીલને શું કહ્યું હતું?

સાંગલીની જત પંચાયત સમિતિના જુનિયર એન્જિનિયર અવધૂત વડારે કરેલી આત્મહત્યાના વિરોધમાં BJPના નેતા ગોપીચંદ પડળકરની આગેવાની હેઠળ જયંત પાટીલના વિરોધમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. એ વખતે જયંત પાટીલ પર ટીકા કરતી વખતે ગોપીચંદ પડળકરની જીભ લપસી હતી અને બહુ જ હલકી ભાષામાં કમેન્ટ કરતાં તેમણે જાહેરમાં કહ્યું હતું કે ‘અરે જયંત પાટીલ, તારા જેવી ભિખારી ઔલાદ ગોપીચંદ પડળકરની નથી. મારામાં એ હિંમત છે કાર્યક્રમ કરવાની; તું રાજારામ પાટીલે કાઢેલી ઔલાદ મને જરા પણ લાગતી નથી, કંઈક તો ગરબડ હોવી જોઈએ. જયંત પાટીલ મગજ વગરનો માણસ છે અને દર ૮-૧૦ દિવસે તે કેટલો મૂરખ છે એ સિદ્ધ કરે છે.’

bharatiya janata party devendra fadnavis sangli sharad pawar nationalist congress party political news maharashtra government maharashtra news mumbai mumbai news