06 October, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામ ફિલ્મસિટીના ટેમ્પરરી સેટ પર ગઈ કાલે લાગેલી ભીષણ આગ.
ગોરેગામ ફિલ્મસિટીના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોની પાછળ એક કાચા સ્ટ્રક્ચરમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં ફાયર-એન્જિન ધસી ગયાં હતાં. એક કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી શકાઈ હતી.
આ આગ ‘પતિ, પત્ની ઔર પંગા-સીઝન 2’ના સેટ પરના ૧૦૦ X ૨૦ના કન્ટ્રોલ-રૂમમાં લાગી હતી. એ સમયે જોકે ત્યાં કોઈ શૂટિંગ ચાલી રહ્યું નહોતું એટલે જાનહાનિ થઈ નહોતી. એ પછી બાજુમાં ‘હસલ-સીઝન 5’ની ગ્રૅન્ડ ફિનાલેનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં પણ એ પ્રસરી હતી. ત્યાં બધા કલાકારો હાજર હતા, પરંતુ બધા સુરક્ષિત હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટૉલેશન, કેબલ, દરવાજા, લાકડાનાં પાટિયાં, ઍર-કન્ડિશન યુનિટ, બામ્બુ, પ્લાસ્ટિકનું મટીરિયલ, સાઉન્ડ-સિસ્ટમ અને શૂટિંગ-મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.