દારૂ પીને સ્કૂલમાં આવતા પ્રિન્સિપાલને દૂર કરો મંગળવાર સુધીમાં, નહીં તો આંદોલન

17 August, 2026 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગામવાસીઓની ફરિયાદ પર કોઈ એક્શન ન લેવાઈ તો તેમણે અભિજિત દીપકેને ફરિયાદ કરી, તેણે તરત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ઑફિસરને ફોન કરીને કહ્યું...

ગામવાસીઓએ કરેલી ફરિયાદ બાદ સ્પૉટ પરથી જ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સાથે ફોન પર અભિજિત દીપકેએ વાત કરી હતી.

‘સ્કૂલ ઠીક કરો’ આંદોલનની શરૂઆત કરનાર કૉક્રૉચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ લીધેલી હિંગોળી જિલ્લાના લિંબાળા ગામની એક સ્કૂલની મુલાકાત વખતે એવું જાણવા મળ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ રોજ દારૂ પીને સ્કૂલમાં આવતા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વાલીઓને જાણ કરવામાં આવતાં વાલીઓએ આ વિશે ફરિયાદો કરી હતી. એમ છતાં પ્રિન્સિપાલ સામે કોઈ ઍક્શન લેવામાં આવતી નહોતી. વાલીઓએ હવે આ પ્રશ્નની રજૂઆત અભિજિત દીપકેને કરતાં તેણે ગામવાસીઓને સપોર્ટ આપવાનું નક્કી કર્યું હતું અને કહ્યું હતું કે તે પ્રિન્સિપાલને મંગળવાર સુધીમાં દૂર કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો તે ગામવાસીઓ સાથે મળીને આ માટે આંદોલન કરશે.  
અભિજિત દીપકેએ આ સંદર્ભે સ્પૉટ પરથી જ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીને ફોન કર્યો હતો. તેમની પાસે રજૂઆત કરતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલનો પ્રિન્સિપાલ દારૂ પીને આવે છે. તે દારૂ પીને કઈ રીતે આવી શકે? અહીં નાનાં બાળકો ભણવા આવે છે, છોકરીઓ ભણવા આવે છે. ફરિયાદ કરવા છતાં તેમની સામે ઍક્શન નથી લેવાતી. તમારા જે સિનિયર અધિકારી છે તેમને કહો કે ગામવાસીઓનું કહેવું છે કે તેમને કાઢી મૂકવામાં આવે અને જો એમ ન થાય તો આંદોલન પર બેસવું. તે રોજ પીને આવે છે. તેમને જો હાંકી કાઢવામાં નહીં આવે તો અહીં ગામવાળા સાથે હું આંદોલન પર બેસીશ. ઍક્શન લેવાવી જોઈએ. ઍક્શન નહીં લેવાય તો ગામવાળા બહુ ભડકેલા છે.’

ટીચર્સનું કામ ફક્ત બાળકોને ભણાવવાનું અને તેમના ઘડતરનું હોવું જોઈએ ઃ અભિજિત દીપકે
ગામવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે પાંચ ક્લાસ વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે અને એમાંથી પણ એક શિક્ષક સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ડ્યુટી પર છે. ત્યાર પછી અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘જો શિક્ષકોને SIRની ડ્યુટી પર લગાડવામાં આવશે તો બાળકોને ભણાવશે કોણ? મને લાગે છે શિક્ષકોનું કામ માત્ર બાળકોને ભણાવવાનું અને તેમના ઘડતરનું હોય છે. SIRના કામ માટે બીજા લોકોને લગાડો. એથી બીજા લોકોને રોજગાર પણ મળશે. દેશમાં આમ પણ બહુ બેરોજગારી છે તો SIR માટે તમે બહારથી કેમ લોકોને હાયર નથી કરતા? ટીચર્સને કેમ તમે SIRના કામમાં જોતરો છો? તમારે પૈસા બચાવવા છે અને મફતમાં તેમની પાસે કામ કરાવી લેવું છે. SIRના કામ માટે બહારથી લોકો હાયર કરો. આ બધું રોકાવું જોઈએ. ટીચર્સ ઑલરેડી બહુ મહેનત કરતા હોય છે. તેઓ આખો દિવસ સ્કૂલમાં હોય છે. આટલાં બધાં બાળકોને એકસાથે સંભાળવાં એ કંઈ ઈઝી કામ નથી. એમાં તમે તેમને વધારાનું કામ સોંપો છો. આ બધું રોકવું પડશે. ટીચર્સને ફક્ત ટીચિંગનું જ કામ આપવું જોઈએ, ફક્ત બાળકોને ભણાવવાનું જ કામ સોંપાવું જોઈએ.’   

mumbai news mumbai abhijit dipake cockroach janata party Chhatrapati Sambhaji Nagar Education