23 July, 2025 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણી
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) અને એના પ્રમોટર-ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રૉડ જાહેર કર્યાં છે અને હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં છે.
નાણાંખાતાના રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘ફ્રૉડ રિસ્ક મૅનેજમેન્ટ અને બૅન્કની આંતરિક નીતિ અંગે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સને અનુસરીને ૧૩ જૂને આ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું. હવે બૅન્ક CBIમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવા માટે પગલાં લઈ રહી છે.’
પહેલી જુલાઈએ RComના રેઝોલ્યુશન પ્રોફેશનલે કંપનીની ડિસ્ક્લોઝર જવાબદારીઓના ભાગરૂપે SBIના નિર્ણય વિશે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને જાણ કરી હતી.
રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર SBIના એક્સપોઝરમાં ૨૦૧૬ની ૨૬ ઑગસ્ટથી વ્યાજ અને ખર્ચ સાથે ૨૨૨૭.૬૪ કરોડ રૂપિયાની ફન્ડ-આધારિત મુદ્દલ બાકી રકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૭૮૬.૫૨ કરોડ રૂપિયાની નૉન-ફન્ડ આધારિત બૅન્ક-ગૅરન્ટી એક્સપોઝર છે.
રિલાયન્સ કમ્યુનિકેશન્સ હાલમાં ઇન્સોલ્વન્સી અને બૅન્કરપ્ટ્સી કોડ ૨૦૧૬ હેઠળ કૉર્પોરેટ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. કંપનીના રેઝોલ્યુશન પ્લાનને એની કમિટી ઑફ ક્રેડિટર્સ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને ૨૦૨૦ની ૬ માર્ચે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈમાં ફાઇલ કરવામાં આવ્યો હતો. NCLT તરફથી અંતિમ નિર્ણયની હજી રાહ જોવામાં આવી રહી છે. પંકજ ચૌધરીએ એમ પણ કહ્યું કે SBIએ અનિલ અંબાણી સામે સમાન ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ વ્યક્તિગત ઇન્સોલ્વન્સી કાર્યવાહી શરૂ કરી છે અને આ કેસ NCLT દ્વારા મુંબઈમાં સુનાવણી હેઠળ છે.
આ પહેલી વાર નથી જ્યારે બૅન્કે ખાતાંને ફ્રૉડ તરીકે વર્ગીકૃત કર્યાં હોય. SBIએ અગાઉ ૨૦૨૦ની ૧૦ નવેમ્બરે RCom અને અંબાણીને ફ્રૉડ તરીકે ટૅગ કર્યાં હતાં અને ૨૦૨૧ની પાંચમી જાન્યુઆરીએ CBIમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ૨૦૨૧ની ૬ જાન્યુઆરીએ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા અપાયેલા યથાસ્થિતિ આદેશને કારણે એ ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી.