શું સૌરાષ્ટ્ર જતા રેલવેના પ્રવાસીઓને ન્યાય મળશે?

04 January, 2023 10:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ મુસાફરોનું કહેવું છે કે રેલવેને અમારી ઘણી માગણી અને સમસ્યાઓ જણાવી છે, પણ એના પર ધ્યાન અપાતું નથી : વન્દે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સોમનાથ રોજ દોડાવવાની માગણી કરતો પત્ર વડા પ્રધાનને લખ્યો

ફાઇલ તસવીર

મુંબઈથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરે છે. દરરોજ અનેક ટ્રેનો મુંબઈથી સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ જવા રવાના થતી હોય છે. જોકે સૌરાષ્ટ્ર બાજુએ જતા પ્રવાસીઓની સંખ્યા વધારે હોવા છતાં તેમની અનેક સમસ્યાઓ, ફરિયાદો, માગણીઓ પર ધ્યાન અપાઈ રહ્યું ન હોવાનું પ્રવાસીઓનું કહેવું છે. એવામાં વડા પ્રધાનના સપના સ્વરૂપની ‘વન્દે ભારત’ ટ્રેનનો લાભ સૌરાષ્ટ્રના પ્રવાસીઓને પણ મળે એ માટે સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશન દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વન્દે ભારત ટ્રેનને દરરોજ મુંબઈ સેન્ટ્રલથી સોમનાથ દોડાવવા વિનંતી કરવામાં આવી છે.

મુંબઈ અને ફૉરેનના ટૂરિસ્ટો સોમનાથ જાય છે
મુંબઈથી સોમનાથ સુપરફાસ્ટ ટ્રેનની દેશ આઝાદ થયા બાદ પણ સુ‌વિધા મળી નથી એવું કહેતાં સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના મંત્રી નીતિન વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈથી સોમનાથનું અંતર ૯૦૦ કિલોમીટર ટ્રેન દ્વારા થાય છે. મોટી સંખ્યામાં મુંબઈના યાત્રીઓ અને ફૉરેન ટૂરિસ્ટો સોમનાથનાં દર્શન કરવા જાય છે. જો વન્દે ભારત ટ્રેનને મુંબઈ સેન્ટ્રલથી સોમનાથ દોડાવવામાં આવે તો લાખો પ્રવાસીઓને એનો લાભ મળશે અને લોકો સરળતાથી દર્શન કરવા પણ જઈ શકશે.’

ટ્રેન ચાલુ કરાવીને જ રહીશું
નરેન્દ્ર મોદીને પત્ર લખતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘હાલ બાંદરાથી વેરાવળ ટ્રેન જાય છે અને એ ટ્રેન-નંબર - ૧૯૨૧૭, ૧૯૨૧૮ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ છે. આ ટ્રેન દ્વારા પ્રવાસ કરતાં ૧૮થી ૧૯ કલાકનો સમય લાગે છે. એમાં આ ટ્રેનને અસંખ્ય સ્પૉટ આપેલાં હોવાથી પ્રવાસીઓ કંટાળી જતા હોય છે. લોકલની જેમ ટ્રેન ચાલતી હોવાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ આ ટ્રેનને જરાય પસંદ કરી રહ્યા નથી. આ ટ્રેનને વચ્ચે સાઇડિંગ કરીને સુપરફાસ્ટ, મેલ, એક્સપ્રેસ, ગુડ્સ ટ્રેનને આગળ કરવામાં આવે છે. એથી વહેલામાં વહેલી તકે વન્દે ભારત ટ્રેનને ‘જય સોમનાથ’નામ આપીને ડેઇલીના ધોરણે શરૂ કરવામાં આવે એવી વિનંતી કરતો પત્ર અમે મોકલ્યો છે. આ ‘જય સોમનાથ’ ટ્રેનને કયાં સ્ટૉપ આપવાં એ પણ મહત્ત્વનું છે, જેથી બધાં મહત્ત્વનાં સ્ટેશનો કવર થઈ જાય. અસોસિએશનનું મંતવ્ય આપતાં અમે જણાવ્યું છે કે આ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલ, દાદર, બોરીવલી, સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, વીરપુર, જૂનાગઢ, કેશોદ-ચોરવાડ રોડ (ધીરુભાઈ અંબાણીનું મ્યુઝિયમ), વેરાવળ, સોમનાથ સ્ટૉપ આપવામાં આવશે. આ ટ્રેન દ્વારા યાત્રીઓ ૧૧થી ૧૨ કલાકમાં પ્રવાસ કરી શકશે. આ ટ્રેન કાયમી ધોરણે હાઉસફુલ જશે એવી ખાતરી અમે આપી છે. અમને હજારોની સંખ્યામાં પ્રવાસીઓના ફોન આવે છે એટલે અમે સીધો વડા પ્રધાનને જ પત્ર લખીને વિનંતી કરી છે અને તેઓ જ આ સેવા શરૂ કરી શકશે. અમારી સાથે મુંબઈની અનેક અન્ય બીજી વ્યાવસ્થાયિક સંસ્થાઓ પણ તેમને પત્ર લખવાની છે. આ ટ્રેનને શરૂ કરાવવા અમે‌ દિલ્હી સુધી જવાના છીએ. સોમનાથ કે સૌરાષ્ટ્રના લોકોને મનમાં અણગમો છે.’

mumbai mumbai news western railway mumbai central preeti khuman-thakur