02 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા સાલિયન
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુની ફરીથી તપાસ કરવાની માગણી તેના પિતા સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કરી છે. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સતીશ સાલિયનની પિટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સતીશ સાલિયને દિશા પર ક્રૂરતાથી બળાત્કાર કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવાની સાથે આ કેસને રાજકીય વગથી દબાવી દેવામાં આવ્યો હોવાની દલીલ ગઈ કાલે કોર્ટમાં કરી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ સારંગ કોતવાલ અને જસ્ટિસ એસ. એમ. મોડકની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સતીશ સાલિયનના દાવા વિશે તેમના વકીલે દલીલ કરી હતી. રાજ્ય સરકારના વકીલે આ વિશે જવાબ નોંધાવવામાં સમયની માગણી કરી હતી એથી કોર્ટે સરકારને ૧૫ જૂન સુધીમાં જવાબ નોંધાવવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિશા સાલિયનના મૃત્યુના મામલામાં ઉદ્ધવ ઠાકરેના વિધાનસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે સહિતના વગદાર લોકો સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.