10 December, 2025 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝમાં રહેતા કરિયાણાના વેપારીના ઘરમાંથી ૧૨ લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના એમ કુલ મળીને ૧૮ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હતી. એ કેસમાં સાંતાક્રુઝ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને વેપારીની દીકરી નિકિતા ધનજી હાથિયાણી અને તેના પ્રેમી રવીન્દ્ર નિરકરની ધરપકડ કરી હતી.
લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી નિકિતાએ પોતાના જ ઘરમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. નિકિતાના પિતાએ ધંધામાંથી કમાયેલી રકમના ૬ લાખ રૂપિયા અને ગામની વડીલોપાર્જિત મિલકત વેચીને મળેલા ૬ લાખ રૂપિયા ઘરના બેડરૂમમાં સોનાના દાગીનાના એક ડબ્બામાં રાખ્યા હતા.
૧૮ નવેમ્બરે નિકિતા અને તેની મમ્મી માર્કેટમાં ગયાં હતાં. પાછા ફર્યા ત્યારે તેની મમ્મીને જાણ થઈ કે ઘરમાંથી એ કૅશ અને દાગીનાનો ડબ્બો ચોરાઈ ગયાં છે. એથી તેમણે પતિને વાત કરી હતી. વેપારીએ આ બદલ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.
સાંતાક્રુઝ પોલીસે ઝીણવટભરી તપાસના અંતે ટેક્નિકલ માહિતી મેળવીને શોધી કાઢ્યું હતું કે આ કેસમાં વેપારીની દીકરી અને તેનો પ્રેમી જ સામેલ છે. એથી બન્નેને તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.