11 July, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં સંજય શિરસાટ. તસવીર : સૈયદ સમીર અબેદી
ઔરંગાબાદ (પશ્ચિમ)માંથી ચૂંટાઈ આવેલા શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના વિધાનસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય વિભાગના પ્રધાન સંજય શિરસાટને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલાવી છે.
ઇન્કમ ટૅક્સે નોટિસ મોકલાવી છે એ બાબતને કન્ફર્મ કરતાં સંજય શિરસાટે આ બાબતે કહ્યું હતું કે ‘હા, મને ઇન્કમ ટૅક્સની નોટિસ આવી છે. લોકો એવું વિચારતા હોય છે કે રાજકીય નેતાઓ સામે કોઈ ઍક્શન નથી લેવાતી. એવું નથી હોતું, આ નોટિસનો હું કાયદેસર જવાબ આપીશ.’
જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે શું તમારી સામે કાવતરું થઈ રહ્યું છે? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી, ડિપાર્ટમેન્ટે એની નોંધ લઈ નોટિસ મોકલાવી છે. અમે એથી નોટિસનો જવાબ આપવા ડિપાર્ટમેન્ટ પાસે સમય માગ્યો છે, અમે અમારી પોઝિશન ક્લિયર કરીશું. કેટલાક લોકોને મારાથી પ્રૉબ્લેમ છે, પણ હું તેમને જવાબ આપીશ. સિસ્ટમ એનું કામ કરી રહી છે અને મને એની સામે કોઈ વાંધો નથી. મારા પર કોઈ દબાણ નથી.’