રાજ્યપાલ સાથે કોલ્ડ વૉર નહીં, ખુલ્લું યુદ્ધ: સંજય રાઉત

15 February, 2021 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યપાલ સાથે કોલ્ડ વૉર નહીં, ખુલ્લું યુદ્ધ: સંજય રાઉત

સંજય રાઉત

રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અને રાજ્ય સરકારના સંબંધો હંમેશાં તંગ રહ્યા છે. એથી એવું કહેવાતું હતું કે તેમની વચ્ચે કોલ્ડ વૉર ચાલે છે. જોકે ગઈ કાલે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘રાજ્ય સરકારના અનેક નિર્ણયો રાજ્યપાલને કારણે અટકી ગયા છે. એટલે આ કોલ્ડ વૉર નહીં, સાચું યુદ્ધ જ છે. રાજ્યપાલની આડમાં આ યુદ્ધ ભાજપ લડી રહ્યો છે. રાજભવનનો ઉપયોગ રાજકારણ માટે થઈ રહ્યો છે.’

સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાજ્યના પ્રધાનમંડળની ભલામણો સ્વીકારવી એ રાજ્યપાલ માટે બંધનકારક છે. એમ છતાં રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરાયેલો ૧૨ વિધાનસભ્યોનો નિર્ણય રાજ્યપાલે પેન્ડિંગ રાખ્યો છે. આ બંધારણનું અપમાન છે. આનો અર્થ એ થયો કે રાજ્યપાલ રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. એથી આ ખુલ્લું યુદ્ધ જ ચાલુ છે, કોલ્ડ વૉર નહીં.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘આંદોલનજીવી’ શબ્દપ્રયોગ બાદ એની ટીકા કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘જો આવતી કાલે ભાજપ સત્તામાંથી બહાર પડશે તો એ આજે જે આંદોલનોનો વિરોધ કરી રહ્યો છે એ જ આંદોલનો જાતે કરવાં પડશે. આ લોકશાહીપ્રધાન દેશ છે. અહીં જનતા તેમના પ્રશ્નોના જવાબ મેળવવા રસ્તા પર ઊતરીને આંદોલનો કરે છે. આપણા દેશમાં સરમુખત્યારશાહી નહીં, લોકશાહી છે. વળી આપખુદશાહી કે સરમુખત્યારશાહીમાં પણ જનતા રસ્તા પર ઊતરતી હોય છે. જો દેશમાં આંદોલન ન થાય એવી પરિસ્થિતિ સર્જવી હોય તો સરકારે લોકોનું સાંભ‍ળવું જોઈએ. ભાજપ આજે આંદોલનોનો વિરોધ કરે છે, પણ આવાં આંદોલનોને કારણે જ એનો જન્મ થયો હતો એ ન ભૂલવું જોઈએ.’

mumbai mumbai news indian politics shiv sena sanjay raut