28 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
મહાયુતિ સરકારના પ્રધાન માણિકરાવ કોકાટે વિધાન પરિષદમાં ચાલુ સેશનમાં મોબાઇલ પર પત્તાની ગેમ રમી રહ્યા હતા અને સંજય શિરસાટ પણ પૈસાની બૅગનો વિડિયો વાઇરલ થયા બાદ ચર્ચામાં છે અને વિરોધ પક્ષો અન્ય પ્રધાનો પર પણ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે હવે પ્રધાનમંડળમાં ઉપરથી લઈને નીચે સુધી સાફસફાઈ કરવી પડે એમ છે અને એથી ૪ પ્રધાનોને ઘરે બેસવાનો વારો આવી શકે. પ્રધાનમંડળમાં મોટા પાયે ફેરફાર કરવા પડશે એમ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
સંજય રાઉતે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસની કાબૂ બહાર પરિસ્થિતિ જતી રહેતાં હવે તેઓ આ માટે દિલ્હી જાય છે. ભલે મુખ્ય પ્રધાન તરીકે પ્રધાનમંડળમાં કોને રાખવા અને કોને ન રાખવા એનો અધિકાર તેમની પાસે હોય, પણ તેમનું રિમોટ કન્ટ્રોલ અમિત શાહ પાસે છે અને એથી જ તેઓ દિલ્હી દોડાદોડ કરી રહ્યા છે. હું છેલ્લા કેટલાક દિવસથી કહી રહ્યો છું કે આ પ્રધાનમંડળના ચાર પ્રધાન માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, યોગેશ કદમ અને સંજય રાઠોડ અને અન્યનાં નામ ચર્ચાઈ રહ્યા છે. આવા વિવાદોમાં ઘેરાયેલા પ્રધાનોને પડતા મૂકી નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં સમાવવા એવી ચર્ચા દિલ્હી અને મુખ્ય પ્રધાનના અંતરંગ વર્તુળમાં ચર્ચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.’
ભ્રષ્ટાચાર, ખેડૂતોની વિરુદ્ધમાં થઈ રહેલાં નિવેદનો, લેડીઝ-બાર, કૌભાંડો, રૂપિયા ભરેલી ખુલ્લી બૅગો લઈને બેસવાને કારણે ખરડાયેલી સરકારની પ્રતિમાની બાબત હવે દેવેન્દ્ર ફડણવીસની કલ્પનાની બહાર જતી રહી છે અને એ તેમને મૂંઝવી રહી છે એમ જણાવતાં સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘તેઓ (ફડણવીસ) તેમને રાખી પણ શકતા નથી અને કાઢી પણ શકતા નથી. ખરું જોતા એમની પાસે તો ૧૩૭ સભ્યોનું સંખ્યાબળ છે એથી આવી બાબતોથી ગભરાવાની જરૂર નથી. એમ છતાં તેઓ હાલ એ બોજો ઊંચકીને વાંકા વળી ગયા છે. મહારાષ્ટ્રમાં ૮૦૦ કરોડનો ઍમ્બ્યુલન્સ ગોટાળો થયો છે. ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સનું ૧૦૦ કરોડનું ટેન્ડર ૮૦૦ કરોડમાં ગયું. એ કૌભાંડના સૂત્રધાર અમિત સાળુંખે. ટેન્ડરમાં ૬૫૦ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ અમિત સાળુંખે શ્રીકાંત શિંદે મેડિકલ ફાઉન્ડેશનના બૅકબોન છે. આ કૌભાંડના મોટા ભાગના પૈસા શિંદે પાસે ગયા છે. હું શ્રીકાંત શિંદેના એ ફાઉન્ડેશનની તપાસ કરવા પણ કહેવાનો છું. ઝારખંડમાં દારૂગોટાળાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અમિત સાળુંખેની ધરપકડ કરવામાં આવી છે. અમિત સાળુંખે એ શ્રીકાંત શિંદેનો ખાસ માણસ છે. આ કૌભાંડના તાર રાજ્યના પ્રધાનમંડળ સાથે જોડાયેલા છે. એ પૈસા કોના ખાતામાં ગયા? કેટલા ગયા એ બધાની તપાસ થવાની છે એથી દેવેન્દ્ર ફડણવીસે ઉપરથી નીચે સુધી સફાઈ કરવી પડે એમ છે.’