11 July, 2024 08:21 AM IST | Mumbai | Sameer Surve
ધારાવી
મુલુંડમાં ધારાવીના લોકોના પુનર્વસનનો વિરોધ કરનારા મુલુંડવાસીઓએ નૉર્થ-ઈસ્ટ મુંબઈના સ્થાનિક સંસદસભ્ય સંજય પાટીલનો સંપર્ક કર્યો હતો અને તેમણે પણ આ રીતના પુનર્વસનનો વિરોધ કર્યો છે અને તેઓ આ મુદ્દે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવાના છે. બીજી તરફ ધારાવીના લોકોની પણ મુલુંડ આવવાની કોઈ ઇચ્છા નથી એટલે મુલુંડ અને ધારાવીના લોકો આ મુદ્દે એક થયા છે.
સંસદસભ્યનો ફોન આવ્યો
ધારાવીના લોકોનું મુલુંડમાં પુનર્વસન કરવાના વિરોધમાં લડત ચલાવી રહેલા ઍડ્વોકેટ સાગર દેવરેએ કહ્યું હતું કે ‘થોડા દિવસો પહેલાં અમે સંજય પાટીલને મળ્યા હતા. બુધવારે મને તેમની ઑફિસમાંથી ફોન આવ્યો હતો કે તેઓ અમારી સાથે આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળશે. અમે સેવ ધારાવી મૂવમેન્ટના નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. તેઓ પણ મુલુંડમાં પુનર્વસનનો વિરોધ કરી રહ્યા છે. આથી અમે સાથે કામ કરવાનું નક્કી કર્યું છે.’
શું કહ્યું સંજય પાટીલે?
નૉર્થ-ઈસ્ટ મુંબઈના સંસદસભ્ય સંજય પાટીલે કન્ફર્મ કરતાં કહ્યું હતું કે ‘મને મુલુંડના રહેવાસીઓ મળ્યા હતા. હું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માગું છું, પણ હાલમાં ચોમાસું સત્રને કારણે તેઓ બિઝી છે. તેમની અપૉઇન્ટમેન્ટ મળવી મુશ્કેલ છે. હું સરકારી અધિકારીઓને મળીને આ પ્રોજેક્ટનું સ્ટેટસ જાણવાનો પ્રયાસ કરીશ.’
શું છે વિવાદ?
ધારાવી રીડેવલપમેન્ટ ઑથોરિટી ધારાવીમાં પુનર્વસન માટે અયોગ્ય રહેવાસીઓને ધારાવીના બદલે મુલુંડમાં વસાવવાની યોજના ધરાવે છે. રાજ્ય સરકારે આ માટે સુધરાઈ પાસે જૂના ઑક્ટ્રૉય નાકાની ૧૮ એકર અને ડમ્પિંગ ગ્રાઉન્ડની ૪૬ એકર જમીનની માગણી કરી છે. સુધરાઈ ઑક્ટ્રૉય નાકાની પાંચ એકર સહિત ૧૫ એકર જમીન ફાળવવા તૈયાર છે.