હું તો મજાક કરતો હતો

11 September, 2026 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં દહીહંડીની ઉજવણીમાં વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ પ્રતાપ સરનાઈકને ફોન કર્યો અને આપી સ્પષ્ટતા

સંજય દત્ત

થાણેમાં આયોજિત દહીહંડી દરમ્યાન મરાઠી ભાષા વિશે કરેલી ટિપ્પણી સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ બન્યા પછી સંજય દત્તે સ્પષ્ટતા કરી છે. સંજય દત્તે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને ફોન કરીને જય મહારાષ્ટ્ર સાથે વાતચીત શરૂ કરી હતી અને જણાવ્યું હતું કે તેની ટિપ્પણી માત્ર એક મજાક હતી. આ સાથે જ તેમણે દિવંગત શિવસેના-સુપ્રીમો બાળ ઠાકરેનો આભાર માનતાં કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં તેમણે તેના પરિવારને મોટો સપોર્ટ આપ્યો હતો.

થાણેમાં પ્રતાપ સરનાઈકના સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત દહીહંડીના કાર્યક્રમમાં સંજય દત્ત ઉપરાંત સુનીલ શેટ્ટી અને ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સહિત અનેક અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. પ્રતાપ સરનાઈકે મરાઠીમાં બોલવાનું કહ્યું ત્યારે સંજય દત્તે મંચ પરથી કહ્યું હતું કે યેરવડા જેલમાં ૬ વર્ષ વિતાવ્યાં હોવા છતાં તે મરાઠી શીખી શક્યો નથી. આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

આ વિવાદ બાદ સંજય દત્તે પ્રતાપ સરનાઈકને ફોન કરીને કહ્યું હતું કે ‘હું મરાઠી સારી રીતે બોલી શકું છું અને મારું નિવેદન માત્ર મજાક ખાતર હતું. મારો પરિવાર મુંબઈકર છે અને અમે મહારાષ્ટ્રમાં જ ઊછર્યા છીએ. મહારાષ્ટ્રે અમને ઘણુંબધું આપ્યું છે.’

mumbai news mumbai sanjay dutt pratap sarnaik maharashtra news maharashtra