13 June, 2024 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બાંદરા-વેસ્ટમાં હિલ રોડ પર આવેલા સલમાન ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટના ઘર પર એપ્રિલમાં થયેલા ગોળીબાર પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ સલમાન ખાન અને અરબાઝ ખાનનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં.
ક્રાઇમ બ્રાન્ચના ચાર ઑફિસરની ટીમ એ માટે ૪ જૂને તેના ઘરે ગઈ હતી. સલમાનનું સ્ટેટમેન્ટ લેતાં ચાર કલાક લાગ્યા હતા, જ્યારે અરબાઝનું સ્ટેટમેન્ટ લેવામાં પણ બે કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બન્નેને ૧૫૦ સવાલ પૂછ્યા હતા. સલમાન ખાને તેના જીવ સામે જોખમ જણાતાં આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી હતી અને તપાસ કરી રહેલી પોલીસનો આભાર માન્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે કહ્યા મુજબ સલમાને તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ફાયરિંગની ઘટના બની ત્યારે તે ઘરે જ હતો. તે એ રાતે મોડેથી ઘરે આવ્યો હતો. તેની બાલ્કની પર ફાયરિંગ થયું ત્યારે બુલેટના અવાજથી તે જાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ અરબાઝ ખાનનું પણ સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. ઘટનાની રાતે તે તેના જુહુના ઘરે હતો. જોકે તેને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે સલમાનને આપેલી ધમકીની જાણ હોવાથી તેનું પણ સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું હતું. ગૅન્ગ દ્વારા આ પહેલાં પણ તેમને ધમકી આપવામાં આવી હતી, પણ તેમના દ્વારા ખંડણીની માગણી કરાઈ નથી. આ કેસમાં ફાયરિંગ કરનાર વિકી ગુપ્તા અને સાગર પાલ મળીને કુલ છ જણની ધરપકડ કરવામાં આવી છે.’
નવી મુંબઈ પોલીસે પણ આ બાબતે હત્યાનું ષડયંત્ર ઘડવાનો ગુનો નોંધ્યો છે. નવી મુંબઈ પોલીસે એ કેસમાં બિશ્નોઈ ગૅન્ગ અને ગોલ્ડી બ્રાર ગૅન્ગના પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. ગૅન્ગના સભ્યોએ સલમાનના પનવેલના ફાર્મહાઉસની રેકી કરી હતી.