14 April, 2024 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
બૉલિવૂડ (Bollywood) ના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ના બાંદ્રા (Bandra) સ્થિત ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટ (Galaxy Apartments) ની બહાર રવિવારે સવારે બે અજાણ્યા લોકોએ ગોળીબાર (Salman Khan Firing) કર્યો છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) એ કેસ નોંધ્યો છે. ઘટના પછી સલમાન ખાનના ફેન્સ ચિંતામાં છે. જોકે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. એટલું જ નહીં, પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ના ભાઈ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) એ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ અમેરિકા (America) માં છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. તેણે એમ પણ કહ્યું છે કે, ‘સલમાન, અમે તમને ટ્રેલર બતાવવા માટે જ આ હુમલો કર્યો છે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે.’
અનમોલ બિશ્નોઈએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત. અમને શાંતિ જોઈએ છે. જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે તમને આ ફક્ત ટ્રેલર બતાવવા માટે કર્યું છે, જેથી તમે સમજી શકો કે, આ પ્રથમ અને છેલ્લી ચેતવણી છે. આ પછી માત્ર ખાલી ઘર પર ગોળી ચલાવવામાં નહીં આવે.’
સોશ્યલ મીડિયા પોસ્ટમાં આગળ એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘તમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે, પરંતુ અમને વધારે બોલવાની આદત નથી. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર ગ્રુપ, કાલા જાથેડી ગ્રુપ.’
તમને જણાવી દઈએ કે, આજે સવારે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર શંકાસ્પદ શૂટરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રવિવારે સવારે લગભગ પાંચ વાગે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસને ત્રણ રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે. હવે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને આ પહેલા પણ અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. સલમાન ખાનને અનેક વખત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકીઓ મળી છે. જોકે, આજે બનેલી ઘટનાથી સલમાન ખાનના ફેન્સ થોડાક ટેન્શમાં આવી ગયા છે.