17 December, 2025 07:13 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
૨૩ વર્ષની સઈ જાધવ
કોલ્હાપુરની ૨૩ વર્ષની સઈ જાધવે દેહરાદૂનસ્થિત પ્રતિષ્ઠિત સશસ્ત્ર દળોની સંસ્થા ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમી (IMA)માંથી પાસઆઉટ થનારી પ્રથમ મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે. ૧૯૩૨માં ઍકૅડેમીની સ્થાપના થઈ ત્યારથી ૬૭,૦૦૦થી વધુ ઑફિસર કૅડેટ્સ પાસઆઉટ થયા છે, પરંતુ એમાં કોઈ મહિલા નહોતી. સઈના કમિશનિંગ સાથે ૯૩ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો છે.
સઈનું કમિશનિંગ તેના પરિવારમાં લાંબા સમયથી ચાલતી લશ્કરી પરંપરાને પણ અનુસરે છે. તેના પરદાદાએ બ્રિટિશ આર્મીમાં સેવા આપી હતી, તેના દાદા ભારતીય સેનામાં હતા અને તેના પિતા સંદીપ જાધવ આજે પણ સેવા આપી રહ્યા છે.
IMAમાં ૯૩ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ઑફિસર કૅડેટે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં સફળતાપૂર્વક તાલીમ પૂરી કરી છે. સઈ જાધવ ટેરિટોરિયલ આર્મીના વિશિષ્ટ અભ્યાસક્રમ હેઠળ સખત તાલીમ પૂરી કરીને હવે લેફ્ટનન્ટ બની છે.
ટેરિટોરિયલ આર્મીના સ્પેશ્યલ ટ્રેઇનિંગ કોર્સમાં નોંધાયેલા ૧૬ ઑફિસર કૅડેટ્સમાં તે એકમાત્ર મહિલા હતી. આ તાલીમ માત્ર શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ મુશ્કેલ હતી. તેની સિદ્ધિ દેશભરની હજારો યુવતીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવાનું અને રાષ્ટ્રની સેવા કરવાનું સપનું જુએ છે. સઈનું શિક્ષણ મહારાષ્ટ્રના બેલગામમાં શરૂ થયું અને અનેક રાજ્યોમાં ચાલુ રહ્યું હતું, કારણ કે તેના પિતા સંદીપ જાધવની આર્મી-પોસ્ટિંગ અલગ-અલગ સ્થળે થતી રહેતી હતી. ગ્રૅજ્યુએટ થયા પછી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પાસ કરવાથી તેના માટે સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB)નો દરવાજો ખૂલ્યો હતો. તેણે IMA ખાતે છ મહિનાની સઘન અને પડકારજનક લશ્કરી તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી હતી.