✕

મલાડમાં ATMમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવીને ૪૫,૦૦૦ રૂપિયાની ઠગાઈ

01 November, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩ શંકાસ્પદો સામે બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ

પ્રતીકાત્મક તસવીર

મલાડ-વેસ્ટ વિસ્તારમાં ઑટોમેટેડ ટેલર મશીન (ATM) સાથે છેડછાડ કરીને ગ્રાહકોનાં નાણાં ચોરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બૅન્ક ઑફ બરોડાના સિનિયર બ્રાન્ચ મૅનેજરની સતર્કતા અને ફરિયાદના આધારે બાંગુરનગર પોલીસ-સ્ટેશને ૩ અજાણ્યા શંકાસ્પદ માણસો વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ATMના કૅશ ડિસ્પેન્સરમાં પટ્ટી લગાવીને ગ્રાહકોનાં ફસાયેલાં નાણાં તફડાવ્યાં હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ATM સેન્ટરની અંદર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ કબજે કરીને આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.

બાંગુરનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડ-વેસ્ટના લિન્ક રોડ પર આવેલી બૅન્ક ઑફ બરોડાના ATMમાં પચીસમી ઑક્ટોબરે વહેલી સવારના સફેદ ટોપી અને ચંપલ પહેરેલા એક માણસે તથા ટી-શર્ટ પહેરેલા બીજા માણસે સફેદ રંગની કારમાં આવીને ATM કૅશ ડિસ્પેન્સર પર પ્લાસ્ટિકની પટ્ટી લગાવી દીધી હતી. આ પટ્ટીને કારણે ATMમાંથી પૈસા કાઢવા આવતા ગ્રાહકોના પૈસા બહાર આવી શકતા નહોતા. ગ્રાહક ત્યાંથી પાછો ગયા પછી તરત જ આ શંકાસ્પદો ATMમાં ઘૂસીને ફસાયેલી રોકડ રકમ ચોરી કરી લેતા હતા. આ પ્રકારે વીસથી પચીસ વખત ATM સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. બૅન્કના સિનિયર મૅનેજર આલોકકુમાર શર્માએ CCTV કૅમેરાનું ફુટેજ તપાસતાં આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. બૅન્કના ૭ ગ્રાહકોના કુલ ૪૫,૦૦૦ રૂપિયા આ પ્રકારે ચોરાયા હોવાનું સામે આવ્યા બાદ શુક્રવારે અમારી પાસે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai malad Crime News mumbai crime news