BMCની હૉસ્પિટલોમાં એક પેશન્ટ સાથે એક જ રિલેટિવને રાખવાની રિતુ તાવડેની રજૂઆત

15 July, 2026 06:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રાઉડ-મૅનેજમેન્ટ અને ડૉક્ટરો પર થતા હુમલા બંધ કરાવવા માટેના વિકલ્પ તરીકે વિચારણા

રિતુ તાવડે

ડોમ્બિવલીની એક સરકારી હૉસ્પિટલમાં રેસિડન્ટ મેડિકલ ઑફિસર (RMO) અને નર્સ પર થયેલા હુમલા બાદ મુંબઈનાં મેયર રિતુ તાવડેએ હાલમાં જ મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)ના પદાધિકરીઓ સાથે બેઠક કરી હતી. એ બેઠક બાદ હવે રિતુ તાવડેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કમિશનર અશ્વિની ભિડેને પત્ર લખ્યો છે જેમાં તેમણે BMCની હૉસ્પિટલોમાં એક પેશન્ટ સાથે એક જ રિલેટિવ રાખવા પર ભાર મૂક્યો છે. 

એ પત્રમાં રિતુ તાવડેએ કહ્યું છે કે ‘રોજ હજારોની સંખ્યામાં BMCની હૉસ્પિટલોમાં પેશન્ટ આવતા હોય છે. એથી હૉસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા અને શાંતિ રહે એ માટે વધુ સારી રીતે ક્રાઉડ-મૅનેજમેન્ટ કરવું જરૂરી છે. મોટી અને સબર્બ્સની BMCની હૉસ્પિટલોમાં દાખલ થયેલા પેશન્ટ સાથે એક જ રિલેટિવને રહેવાની પરવાનગી આપવી જોઈએ. એને કારણે વૉર્ડમાં બિનજરૂરી ગિરદી નહીં થાય અને ડૉક્ટરો પેશન્ટને વધુ સારી રીતે તપાસી શકશે. ફક્ત જે દરદીઓ ગંભીર હોય અને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર અપાઈ રહી હોય તેમને આમાંથી બાકાત રાખવામાં આવે.’

સિક્યૉરિટી પાસથી સમસ્યાનો ઉકેલ 
રિતુ તાવડેએ આ સમસ્યાનો ઉકેલ લાવવા જે રીતે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સિક્યૉરિટી પાસ અપાય છે એવો પાસ આપવાની દરખાસ્ત કરી હતી. એક પેશન્ટ માટે એક જ રિલેટિવનો પાસ અપાય તો સિક્યૉરિટીમાં એ વેરિફાય કરાવ્યા વગર પ્રવેશ જ નહીં મળે. એનાથી ક્રાઉડ પણ કન્ટ્રોલ થશે અને ઓછી સિક્યૉરિટીમાં પણ કામ ચાલી જશે એમ તેમણે જણાવ્યું હતું.   

mumbai news mumbai dombivli kalyan dombivali municipal corporation brihanmumbai municipal corporation ritu tawde mumbai mayor