07 May, 2026 12:28 PM IST | Mumbai | Rajendra B Aklekar
ઝવેરીબજારના તેલ ગલી સબ-સ્ટેશન પર ચાલી રહેલું રિસ્ટોરેશન-વર્ક.
સાઉથ અને સેન્ટ્રલ મુંબઈના રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર વીજકાપનો સામનો કરી રહ્યા છે. ઝવેરીબજાર નજીક તેલ ગલીમાં આવેલા પાવર સબ-સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બાદ સ્થિતિ વધુ વણસી છે. આ દુર્ઘટનાને કારણે એશિયાના સૌથી મોટા જ્વેલરી માર્કેટ અને આસપાસના રહેણાક વિસ્તારોમાં ૨૪ કલાકથી વધુ સમય સુધી અંધારપટ છવાયો હતો.
મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝવેરીબજાર સબ-સ્ટેશનમાં આગ લાગ્યા બાદ રહેણાક વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ અનેક વ્યાવસાયિક એકમો હજી પણ અંધારામાં છે. વીજળીના અભાવે વૉટર-પમ્પ બંધ રહેતાં પાણીની સપ્લાયને પણ માઠી અસર પહોંચી છે. સ્થાનિક કૉર્પોરેટર આકાશ રાજ પુરોહિતે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં વરિષ્ઠ નાગરિકો અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત વરલી-કોલીવાડામાં ગયા એપ્રિલ મહિનાથી અહીં અનિયમિત વીજકાપની સમસ્યા છે.
આ વિશે આદિત્ય ઠાકરેએ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)નાં જનરલ મૅનેજર સાથે ચર્ચા કરી હતી. BESTનાં ચૅરમૅન તૃષ્ણા વિશ્વાસરાવે સ્પષ્ટતા કરી છે કે વધારાના લોડને કારણે વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંકું પડી રહ્યું છે, જેના ઉકેલ માટે નવું સબ-સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યું છે.
માટુંગામાં પણ મોડી રાત્રે વીજપુરવઠો ખોરવાતાં લોકોએ સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સામાજિક કાર્યકર્તા નિખિલ દેસાઈએ અધિકારીઓના સંપર્ક-નંબરો બંધ હોવા સામે સવાલ ઉઠાવ્યા હતા અને વીજકાપ બદલ ગ્રાહકોને વળતર આપવા માટે સિટિઝન ચાર્ટરની માગણી કરી છે.