17 April, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેન્સકાર્ટની ઑફિસ-ગ્રૂમિંગ ગાઇડલાઇનનું વાઇરલ પોસ્ટર.
જાણીતી આઇવેર કંપની લેન્સકાર્ટ એના ડ્રેસકોડ અને ગ્રૂમિંગ ગાઇડલાઇનને લઈને વિવાદોમાં સપડાઈ છે. સોશ્યલ મીડિયા પર કંપનીનું એક ડૉક્યુમેન્ટ વાઇરલ થયું હતું જેમાં ઑફિસમાં બિંદી, તિલક અને નાડાછડી પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી; પરંતુ હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ભેદભાવપૂર્ણ નીતિને લઈને લોકોનો રોષ ફાટી નીકળતાં કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પીયૂષ બંસલે આ મામલે પાયાવિહોણી સ્પષ્ટતા કરી હતી.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વિવાદ વકરતાં પીયૂષ બંસલે સ્પષ્ટતા કરી હતી કે ‘વાઇરલ થયેલું પોસ્ટર જૂનું છે. આ એક જૂની ટ્રેઇનિંગ-નોટ હતી જેમાં બિંદી અને તિલકનો ઉલ્લેખ ભૂલથી થયો હતો અને એને હટાવી દેવામાં આવ્યું હતું. હવે આવા કોઈ નિયમ નથી.’
૫.૬ બિલિયન ડૉલરનું મૂલ્યાંકન ધરાવતી આ કંપની ટૂંક સમયમાં એનો IPO લાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ આ તાજેતરના વિવાદે સોશ્યલ મીડિયા પર કંપનીની છબિ સામે સવાલ ઊભા કર્યા છે.