સગાં સૌ સ્વાર્થનાં

14 May, 2026 08:02 AM IST  |  Mumbai | Mehul Jethva

૬ બૅન્ક-અકાઉન્ટમાં કરોડો રૂપિયા મૂકીને ૮૯ વર્ષનાં ગુજરાતી મહિલા ડૉક્ટર અવસાન પામ્યાં, રિલેટિવ્સે ખોટી સહી કરીને ધીરે-ધીરે ૧૭.૫ કરોડ રૂપિયા ઉપાડી લીધા : દિલ્હીમાં રહેતી ભાણેજે મુંબઈ આવીને પોલીસમાં નોંધાવી ફરિયાદ

AI ઇમેજ

ખારમાં રહેતાં ૮૯ વર્ષનાં મહિલા ડૉક્ટરના મૃત્યુ બાદ તેમના જ સંબંધીઓએ ૧૭.૫ કરોડ રૂપિયા બૅન્ક-ખાતાંમાંથી સેરવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે નવી દિલ્હીના તિલકનગર વિસ્તારમાં રહેતી ડૉક્ટરની ભાણેજે ખાર પોલીસ-સ્ટેશનમાં એક મહિલા સહિત બે લોકો સામે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. ડૉક્ટર મહિલાના મૃત્યુ બાદ તેમનાં ૬ બૅન્ક-ખાતાંમાંથી આરોપીઓએ ધીરે-ધીરે પૈસા ઉપાડ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ હાલ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) કરી રહી છે. 

ખાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબર ૨૦૨૫માં ખારમાં રહેતાં ડૉક્ટર મહિલાનું ઘરમાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેમના ભાઈની પુત્રીએ ડેડબૉડીનો તાબો લઈને એના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમના ૬૦ વર્ષના પુત્ર જેને છેલ્લાં ૩૦ વર્ષથી સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી છે તેને કર્જતના રીહૅબ સેન્ટરમાં મૂકી દીધો હતો. અવસાન પામેલી ડૉક્ટર મહિલા દિલ્હી સ્થિત ફરિયાદી મહિલાની માસી થતી હતી આ ભાણેજને ડૉક્ટર મહિલાનાં તમામ બૅન્ક-અકાઉન્ટ અંગે જાણકારી હતી. થોડા વખત પહેલાં તેણે તપાસ કરી ત્યારે ઑક્ટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ના ગાળામાં વિવિધ ખાતાંઓમાંથી ૧૭.૫ કરોડ રૂપિયા આરોપી મહિલાનાં અંગત ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી એટલું જ નહીં, તેણે ૨૦૨૫ની ૧૪ નવેમ્બરે અવસાન પામેલી મહિલાનું ડેથ-સર્ટિફીકેટ મેળવ્યું હતું પરંતુ જાણીજોઈને બૅન્કોને આ જાણકારી આપી નહોતી. આરોપીઓએ માનસિક રીતે અક્ષમ દીકરાની લાચારીનો ફાયદો ઉઠાવીને તેની મિલકત અને નાણાં હડપ કરી લીધાં હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદી મહિલા માસીના પુત્રને મળવા કર્જત ગઈ ત્યારે તે કોઈને ઓળખવાની સ્થિતિમાં પણ નહોતો. આ કેસમાં તપાસ EOW કરી રહી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી ’ 

‘મિડ-ડે’એ ફરિયાદી મહિલા સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેણે કોઈ પણ માહિતી આપવાનું ટાળ્યું હતું.

mumbai news mumbai khar mumbai police mumbai crime news Crime News