કપોળ બૅન્કના મોટા ભાગના ડિપોઝિટર્સને પૈસા પાછા મળશે

27 September, 2023 12:25 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

૬૫૦૦૦ થાપણદારોમાંથી ૧૬૦૦ના પાંચ લાખથી વધારે રૂપિયા જમા હોવાથી તેમણે બૅન્ક બંધ થવાનો માર સહન કરવો પડશે

પ્રતીકાત્મક તસવીર

૮૦ વર્ષ જૂની ૬૫,૦૦૦ ડિપોઝિટર્સ અને ૧૩ બ્રાન્ચ ધરાવતી ધ કપોળ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડનું લાઇસન્સ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રદ કર્યું છે. ૨૦૧૪થી મુસીબતમાં મુકાયેલી બૅન્ક હવે પછી એનો બિઝનેસ નહીં કરી શકે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા પણ બૅન્કને સમેટી લેવા અને લિક્વિડેટર અપૉઇન્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે બૅન્કનું કહેવું છે કે ઇન્શ્યૉરન્સ હેઠળ મોટા ભાગના ડિપોઝિટર્સ જેમની ડિપોઝિટ પાંચ લાખની અંદર છે તેમને પૂરા પૈસા પાછા મળી જશે. ૧૬૦૦ જેટલા ડિપોઝિટર્સ છે જેઓ પાંચ લાખ કરતાં વધુની ​ડિપોઝિટ ધરાવે છે તેમને ખોટ જશે. જોકે એમાં પણ બૅન્કની ઍસેટ્સ સેલ કર્યા બાદ એના પ્રપોર્શનમાં તેમને રકમ મ‍ળશે ખરીઽ પણ તેમની ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પાછી નહીં વાળી શકાય એટલે તેમને ખોટ જશે.

રિઝર્વ બૅન્કે લીધેલા આ નિર્ણય બાદ બૅન્ક શું એની સામે અપીલમાં જશે? વધુ સમયની માગ કરશે? આવા પ્રશ્નો ડિપોઝિટર્સમાં ચર્ચાઈ રહ્યા છે. તેમને મૂળ ચિંતા તેમના પૈસા પાછા મળશે કે નહીં એની છે. કપોળ બૅન્કના ચૅરમૅન ​કીર્તિ શાહે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ડિરેક્ટરોની અમે આ બાબતે શું કરી શકાય એની ચર્ચા કરવા ગઈ કાલે મીટિંગ કરી હતી, પ‌ણ એમાં કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી. એક વાત એ પણ છે કે અમને આશા હતી કે હજી બૅન્કને રિવાઇવ કરી શકીશું. આ વર્ષે અમે ૫૦ કરોડ રૂપિયાની રિકવરી પણ કરી છે. કોવિડકાળ બાદ આરબીઆઇએ રિકવરી પર ઘણાં રિસ્ટ્રિક્શન્સ અને નિયમો મૂકી દીધાં હતાં. એથી એ ગાળામાં બહુ રિકવરી નહોતી થઈ, પણ એ નિયમો અને રિસ્ટ્રિક્શન પાછાં ખેંચવામાં આવતાં અમે સારી રિકવરી કરી શક્યા છીએ. જો રિઝર્વ બૅન્કનો નિર્ણય ત્રણ મહિના બાદ આવ્યો હોત તો પણ બૅન્ક ફરી ચાલુ કરવાની આછીપાતળી શક્યતાઓ હતી. જોકે હવે તો આરબીઆ​ઇએ બૅન્ક લિક્વિડેટ કરવા કહ્યું છે. અમારા કુલ ૬૫,૦૦૦ ડિપોઝિટર્સમાંથી ૨૦,૦૦૦ જેટલા ડિપોઝિટર્સને તેમની પૂરી રકમ પાછી મળી ગઈ છે. ઇન્શ્યૉરન્સ હેઠળ આરબીઆઇએ ૨૩૭ કરોડ રૂપિયા તેમને ચૂકવી દીધા છે. બાકીના ૪૫,૦૦૦ ડિપોઝિટર્સમાંથી અંદાજે ૪૩,૦૦૦ જેટલા ડિપોઝિટર્સની પણ ડિપોઝિટ પાંચ લાખ કરતાં ઓછી હોવાથી તેમને પણ ઇન્શ્યૉરન્સ હેઠળ એ રકમ મળી જશે. જે ખોટ જશે એ લગભગ ૧૬૦૦ જેટલા ડિપોઝિટર્સને જશે, જેમની ડિપોઝિટ પાંચ લાખ રૂપિયા કરતાં વધુ છે.’ 

કીર્તિભાઈએ આ વિશે વધુમાં કહ્યું હતું કે ‘એ ડિપોઝિટર્સને પણ પૈસા મળશે, પણ ૧૦૦ ટકા પાછા નહીં મળી શકે. બૅન્ક લિક્વિડેશનમાં જશે અને ત્યાર બાદ બૅન્કની પોતાની જે ઍસેટ્સ છે એ વેચીને એના પ્રપોર્શનમાં પાંચ લાખ કરતાં વધુની ડિપોઝિટ ધરાવનારાઓને પૈસા આપવામાં આવશે.’ 

reserve bank of india mumbai mumbai news bakulesh trivedi