29 July, 2025 06:58 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેની ખરાડીમાં પૉશ સોસાયટીના ફ્લૅટમાંથી એકનાથ ખડસેના જમાઈ ડૉ. પ્રાંજલ ખેવલકરની ધરપકડ
પુણેના ખરાડી વિસ્તારની એક પૉશ સોસાયટીના ફ્લૅટમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મળતાં શનિવારે મધરાતે પોલીસે આ ફ્લૅટ પર છાપો માર્યો હતો. આ પાર્ટીમાં કોકેન અને ગાંજા જેવાં ડ્રગ્સ લેવામાં આવી રહ્યાં હતાં. આ કાર્યવાહીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના નેતા એકનાથ ખડસેની દીકરી રોહિણી ખડસેના પતિ અને એકનાથ ખડસેના જમાઈ ડૉ. પ્રાંજલ ખેવલકર પણ પકડાતાં આ કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો. તેના સહિત પાંચ પુરુષો અને ૩ મહિલાઓને આ કાર્યવાહી હેઠળ પકડવામાં આવ્યાં હતાં. એ પછી પોલીસે ડૉ. પ્રાંજલ ખેવલકરના હડપસરના ઘર પર પણ છાપો માર્યો હતો જ્યાંથી લૅપટૉપ, હાર્ડ ડિસ્ક અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યાં હતાં. એ પછી પુણે પોલીસે રોહિણી ખડસેના હડપસરના બંગલા પર પણ છાપો માર્યો હતો અને ઝીણવટભરી તપાસ કરી હતી. એ તપાસ વખતે પોલીસદળના ઉચ્ચ અધિકારીઓ જાતે હાજર રહ્યા હતા.
આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજી કરી હતી અને બધા જ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરાય એવી રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે પ્રાંજલ ખેવલકર અને શ્રીપાદ યાદવ પર આ પહેલાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસને જોકે બે દિવસના રિમાન્ડ મળ્યા હતા.
કોણ છે પ્રાંજલ ખેવલકર?
એકનાથ ખડસેની દીકરી રોહિણીનાં પહેલાં લગ્ન થયાં હતાં. એ પછી તેમણે છૂટાછેડા લીધા હતા અને ત્યાર બાદ તેમના બાળપણના મિત્ર ડૉ. પ્રાંજલ ખેવલકર સાથે બીજાં લગ્ન કર્યાં હતા. હાલ દંપતી મુક્તાઈનગરમાં રહે છે. પ્રાંજલ ખેવલકર રાજકારણથી દૂર રહે છે. તે જમીનની લે–વેચ, ઇવેન્ટ મૅનેજમેન્ટ અને ટ્રાવેલ્સનો બિઝનેસ ધરાવે છે. એ સિવાય તે અન્ય કેટલીક કંપનીઓમાં ડિરેક્ટર છે, જ્યારે રોહિણી ખડસે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં પ્રદેશાધ્યક્ષ છે.
રાજકીય અદાવતને લઈને કાર્યવાહી ન થવી જોઈએ : રોહિત પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી ( SP)ના નેતા રોહિત પવારે આ કાર્યવાહી બદલ ટ્વીટ પણ કર્યું છે. રોહિત પવારે આ બાબતે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘એકનાથ ખડસે સાહેબ અને ગિરીશ મહાજન બન્ને વચ્ચે થોડા દિવસથી હની ટ્રૅપના મુદ્દે રાજકીય વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ કાર્યવાહી થઈ છે. આમાં જે કોઈ પણ જવાબદાર છે અથવા આની જે કાંઈ પણ તપાસ થાય એ તપાસ રાજકીય હસ્તક્ષેપ વગર થાય એ જરૂરી છે. હની ટ્રૅપનો કેસ કોર્ટમાં પણ નથી ગયો. પોલીસ પાસે બધા જ પુરાવા છે. એ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો એવો વિડિયો કોર્ટમાં રજૂ કરાય એ પહેલાં મીડિયા પાસે પહોંચી ગયો હતો. પોલીસે એ વિડિયો મીડિયાને આપ્યો હતો. પોલીસ શું કામ આટલી ઉતાવળ કરી રહી છે? શું આની પાછળ કોઈ રાજકીય એજન્ડા છુપાયો છે કે કેમ એવા સવાલ ઊભા થાય છે. આજના કેસમાં જો કોઈ જવાબદાર હોય તો એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ, પણ એ તપાસ અરાજકીય હોવી જોઈએ. જો આ રાજકીય કાવતરું હોય અને જો ઘર સુધી પૉલિટિક્સ લાવવામાં આવે તો આ પૉલિટિક્સ માટે અને ભવિષ્ય માટે બહુ જોખમી બાબત છે.’
આ પહેલાં લિમોઝિનના મુદ્દે થયા હતા આરોપ
આ પહેલાં સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ એવો આરોપ કર્યો હતો કે પ્રાંજલ ખેવલકરની MH-19-AQ-7800 લિમોઝિન કારનું રજિસ્ટ્રેશન જળગાવની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસમાં લાઇટ મોટર વેહિકલ (LMV) તરીકે કરવામાં આવ્યું હતું જ્યારે કે દેશમાં ફક્ત ઍમ્બૅસૅડર લિમોઝિનની જ પરવાનગી છે, બીજી કોઈ પણ લિમોઝિન કારને રજિસ્ટર કરવાની પરવાનગી નથી.