ભક્તોના દાગીના અને ચલણી નોટોથી મંદિરની સજાવટ થાય છે આ લક્ષ્મી મંદિરમાં

02 November, 2024 09:13 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

દિવાળી દરમ્યાન આ મંદિરમાં દર્શનાર્થે દૂર-દૂરથી ભક્તો આવે છે. કહેવાય છે કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે જ્ઞાન એટલે કે સરસ્વતીની કૃપા હોવી જરૂરી છે.

ભક્તોના દાગીના અને ચલણી નોટોથી મંદિરની સજાવટ થાય છે આ લક્ષ્મી મંદિરમાં

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં એક અનોખું અને પ્રાચીન મંદિર છે જ્યાં વર્ષમાં પાંચ દિવસ વિશેષ ધામધૂમથી મનાવાય છે. આ મંદિરમાં ભક્તો દ્વારા ભેટ ચડાવાયેલા દાગીના અને ચલણી નોટોથી મા લક્ષ્મીનો શૃંગાર કરવામાં આવે છે. આવું ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં નોટ અને દાગીનાથી મંદિરના ગર્ભગૃહને સજાવવામાં આવતું હોય. 

દિવાળી દરમ્યાન આ મંદિરમાં દર્શનાર્થે દૂર-દૂરથી ભક્તો આવે છે. કહેવાય છે કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે જ્ઞાન એટલે કે સરસ્વતીની કૃપા હોવી જરૂરી છે. નહીંતર લક્ષ્મી મળ્યા પછી મનુષ્યની બુદ્ધિ બગડી જાય છે એટલે જ આ મંદિરમાં લક્ષ્મીજી સાથે એક તરફ સરસ્વતી માતા અને બીજી તરફ ગણેશજીની મૂર્તિ પણ બિરાજમાન છે. 

આ મંદિર મહારાજા રતનસિંહ રાઠોરના સમયમાં બન્યું હતું. ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસ મહારાજાના શાહી ખજાનામાંથી સોના-ચાંદીનાં આભૂષણોથી મંદિર સજાવવામાં આવતું હતું. હવે એક રૂપિયાથી લઈને ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની ભક્તોએ ચડાવેલી ચલણી નોટોથી મંદિર સજાવવામાં આવે છે. આ વર્ષે અંદાજે ત્રણ કરોડથી વધુ રૂપિયાથી મંદિરની સજાવટ થઈ છે. 

madhya pradesh national news diwali festivals bhai dooj