અયોધ્યાના રામ મંદિરમાં ૨૩ મેએ થશે રાજા રામનો રાજ્યાભિષેક

13 April, 2025 07:08 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

પહેલા માળે રાજા રામના દરબારમાં માતા સીતા; ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તથા હનુમાનની મૂર્તિઓ સ્થાપવામાં આવશે

અયોધ્યાના રામ મંદિરમાં ૨૩ મેએ થશે રાજા રામનો રાજ્યાભિષેક

અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે મંદિરના પહેલા માળે ભવ્ય રામદરબારને ૨૩ મેએ ખુલ્લો મૂકવામાં આવશે. એ દિવસે રાજા રામનો રાજ્યાભિષેક કરવામાં આવશે.

હાલમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલાનાં ભવ્ય દર્શન થાય છે, પણ ૨૩ મે બાદ રાજા રામના દરબારનાં દર્શન કરી શકાશે. રાજા રામની મૂર્તિ સફેદ રંગના આરસપહાણના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ આ મહિને અયોધ્યા પહોંચી જશે. આવતા મહિને એની સ્થાપના કરવામાં આવશે.


રામદરબારની મૂર્તિઓના સર્જક પ્રશાંત પાંડેએ બનાવેલી ગણપતિબાપ્પાની આ મૂર્તિ પણ રામમંદિરના પહેલા માળે બિરાજશે.

પહેલા માળે રાજા રામની મૂર્તિ સાથે આખો રામદરબાર જોવા મળશે. એ સાથે શ્રી રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરું થશે. ભારતમાં એવાં ઘણાં મંદિર છે જ્યાં એક જ ભગવાનનાં અલગ રૂપો જોવા મળતાં હોય છે. એમાં હવે અયોધ્યાનું રામ મંદિર પણ સામેલ થશે.

રાજા રામની સાથે જેમની મૂર્તિઓની સ્થાપના થશે એમાં માતા સીતા; ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તથા હનુમાનનો સમાવેશ છે. રાજસ્થાનના સફેદ મકરાણા આરસપહાણના પથ્થરોમાંથી આ મૂર્તિઓ જયપુરના મૂર્તિકાર પ્રશાંત પાંડે તૈયાર કરી રહ્યા છે.

mumbai news mumbai ayodhya ram mandir uttar pradesh national news