24 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રંથના પિતા હસમુખ મુથા, ગ્રંથ મુથા
ભાઈંદર-ઈસ્ટમાં આવેલા મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વ. ગોપીનાથ મુંડે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રવિવારે ડૂબી જવાથી ૧૧ વર્ષના ગ્રંથ મુથાનું મૃત્યુ થયું હતું. એ ઘટનામાં હવે મુથા પરિવાર અને તેમના મિત્રો-સંબંધીઓનો આક્ષેપ છે કે પોલીસ હળવા હલેસે કામ લઈ રહી છે. પણ આવી ઘટના અન્ય સાથે ન બને, અન્યના ઘરનો ચિરાગ ન બુઝાઈ જાય એ માટે દોષીઓ સામે કડક હાથે કામ લેવું અને તેમને સખત શિક્ષા આપવી જરૂરી છે. માટે આજે તેમના દ્વારા એક રૅલીનું આહ્વાન કરવામાં આવ્યું છે.
ભાઈંદર-વેસ્ટના અહિંસા ચોક ખાતેથી સવારે ૮.૦૦ વાગ્યે રૅલી શરૂ થશે જે MTNL, મહારાણા પ્રતાપ ચોક અને ત્યાંથી સબવેમાં થઈને ભાઈંદર-ઈસ્ટમાં જશે. એ પછી ગોડદેવ નાકા અને નવઘર પોલીસ-સ્ટેશન પર સમાપ્ત થશે. પરિવાર નવઘર પોલીસને આ માટે એક નિવેદન આપીને દોષીઓ સામે કડક હાથે કામ લેવાની માગણી કરી રહ્યો છે.
આ સંદર્ભે ગ્રંથના પિતા હસમુખ મુથાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રંથના મૃત્યુ માટે જવાબદાર કૉન્ટ્રૅક્ટર, સ્વિમિંગ-પૂલના ટ્રેઇનર અને અન્યો સામે નવઘર પોલીસે માત્ર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે અમારી માગણી છે કે તેમની સામે સદોષ મનુષ્ય વધની કલમ નોંધીને કડકમાં કડક સજા કરવામાં આવે. તે લોકો આવી બેદરકારી કઈ રીતે દાખવી શકે? અમે આ માટે આજે રૅલી કાઢી નવઘર પોલીસને નિવેદન આપવાના છીએ.’