15 January, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરમાં પત્રકારોને સંબોધી રહેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે
ઠાકરેબંધુઓની શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનમિર્માણ સેના (MNS) આ વખતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી સાથે મળીને લડી રહી છે. ગઈ કાલે રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થ પર તેમણે જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ લીધી હતી જેમાં તેમણે સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC) દ્વારા પ્રચારના નિયમોમાં કરાયેલા ફેરફાર અને આ ચૂંટણીમાં ઇન્ટ્રોડ્યુસ કરાયેલા PADU મશીન બાબતે સવાલ કર્યા હતા.
રાજ ઠાકરેએ આ બાબતે કહ્યું હતું કે ‘અત્યાર સુધી અમે અનેક ચૂંટણીઓ જોઈ છે જેમાં મતદાનના બે દિવસ પહેલાં પ્રચાર થંભી જાય છે. એ પછીનો દિવસ ખાલી હોય છે અને ત્યાર બાદના દિવસે મતદાન થતું હોય છે. આ પ્રકારની પ્રથા અત્યાર સુધી હતી. આ સરકારને શું જોઈએ છે એ માટે ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે. મંગળવારે ઇલેક્શન કમિશને નવું નોટિફિકેશન બહાર પાડ્યું કે મતદાનના આગલા દિવસે પણ સાંજના પાંચ વાગ્યા સુધી મતદારોને મળી શકાય. આ નવી પ્રથા અને નવી પદ્ધતિ કઈ રીતે લાવવામાં આવી અને ક્યાંથી આવી એની કોઈ કલ્પના નથી. આજે જ વળી કેમ આવી? એ વિધાનસભા કે લોકસભાની વખતે કેમ નહોતી? એ પહેલાંની ચૂંટણીઓમાં કેમ નહોતી? એ અત્યારે જ કેમ આવી? અને એમાં પાછું કહેવાયું છે કે તમે મતદારોને જઈને મળી શકો પણ પત્રક ન વહેંચી શકો. તો કદાચ પૈસા વહેંચી શકાતા હશે એવું તેમને કહેવું હશે. મૂળમાં આ પરવાનગી મળી કેમ? કેમ આપવામાં આવી? અને આ કાયદો બદલ્યો કેમ? આમ નવું-નવું જે લાવવામાં આવે છે એ શા માટે લાવવામાં આવે છે?’
ઇલેક્શન કમિશને પ્રિન્ટિંગ ઑક્ઝિલિયરી ડિસ્પ્લે યુનિટ (PADU) તરીકે ઓળખાતાં મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યાં છે એ બાબતે રાજ ઠાકરેએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ‘આ મશીન બાબતે કોઈ પણ રાજકીય પક્ષને કહેવામાં આવ્યું નથી. કોઈ પણ રાજકીય પક્ષને એ મશીન બતાડ્યું નથી. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ સ્ટેટ ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે તમે આ મશીન અમને ક્યારેય બતાડ્યું નથી. આ મશીન શું છે એ લોકોને પણ ખબર નથી. હવે તમે એ નવું મશીન EVM સાથે લગાડવાના છો. એ શું મશીન છે એટલે કે એ બતાડવું, એના વિશે માહિતી આપવી એટલું પણ સ્ટેટ ઇલેક્શન કમિશન કરી નથી રહ્યું. સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારે આના પર જવાબ નથી આપી રહ્યા. અત્યારની સરકારે આ વાઘ ક્યારનોય મારી નાખ્યો છે એથી તેમની પાસેથી કોઈ અપેક્ષા પણ નથી. આ કઈ પ્રથા અને કઈ બાબતો મહારાષ્ટ્રમાં ચાલુ છે અને ચૂંટણી નજીકમાં છે ત્યારે રોજેરોજ નિયમો બદલે છે, આ શું છે? સરકારને જે જોઈએ છે એ કરી આપવા માટે શું ઇલેક્શન કમિશન છે કે? સરકારને જે હાલ સુવિધાઓ જોઈએ છે એ માટે શું ઇલેક્શન કમિશન હવે કામ કરી રહ્યું છે કે કેમ? આ અમારો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. હારી ગયેલી બાબતો જીતવા માટે ઇલેક્શન કમિશન તેમને મદદ કરી રહ્યું છે એવો અમારો ઇલેક્શન કમિશન પર આરોપ છે.’
શું કરશે PADU?
BMCની ચૂંટણીમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં ટેક્નિકલ ખામી સર્જાય તો મતગણતરીને સરળ બનાવવા માટે પહેલી વાર પ્રિન્ટિંગ ઑક્ઝિલરી ડિસ્પ્લે યુનિટ્સ (PADU)નો ઉપયોગ કરવામાં આવશે. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી માટે ૧૪૦ PADU મશીન ઉપલબ્ધ છે. બૅન્ગલોરસ્થિત ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) તરફથી બૅકઅપ યુનિટ તરીકે PADU યુનિટ મગાવવામાં આવ્યાં છે. EVM યુનિટની જેમ આ પણ રિટર્નિંગ અધિકારીઓ પાસે રહેશે અને ફક્ત ઇમર્જન્સીમાં જ એનો ઉપયોગ કરવામાં આવશે.’
PADU કન્ટ્રોલ યુનિટની એક પ્રકારની પ્રતિકૃતિ છે અને જો કોઈ કારણોસર કન્ટ્રોલ યુનિટનું ડિસ્પ્લે ન ચાલે તો એનો ઉપયોગ કરવામાં આવશે. BEL દ્વારા જ વિકસાવવામાં આવેલા M3A
EVMનો ઉપયોગ BMCની ચૂંટણીમાં થશે.
EVM પર નોંધાયેલા મતોની ગણતરી કન્ટ્રોલ યુનિટને બૅલટ યુનિટ સાથે જોડીને કરવામાં આવે છે. જો બે યુનિટ કનેક્ટ થયા પછી પણ ગણતરી દરમ્યાન ટેક્નિકલ મુશ્કેલીઓ ઊભી થાય તો ગણતરી-પ્રક્રિયા પૂરી કરવા માટે PADUનો ઉપયોગ કરવામાં આવશે.