05 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ
મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું એ જાણવા રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ગઈ કાલે મુંબઈ આવ્યા હતા. તેમણે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં અન્ડરગ્રાઉન્ડ આકાર લેનારા BKC સ્ટેશનની સાઇટનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્ટેશન બનાવવા માટેના કુલ ૧.૮૭ મિલ્યન ક્યુબિક મીટર ખોદકામમાંથી ૭૬ ટકા ખોદકામ એટલે કે ૧.૪૨ મિલ્યન ક્યુબિક મીટર ખોદકામ થઈ ગયું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બુલેટ ટ્રેન કૉરિડોરનું કામ ફુલ સ્વિંગમાં ચાલી રહ્યું છે. જોકે તેમણે એ સિવાય મીડિયા સાથે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.
એ પછી તેઓ પનવેલ રેલવે-સ્ટેશન ગયા હતા. પનવેલમાં કોચિંગ ટર્મિનલનું બાંધકામ ચાલી રહ્યું છે એની તેમણે મુલાકાત લીધી હતી. મુંબઈની રેલવે કૅપેસિટી વધારવામાં આવી રહી છે. આવનારા સમયમાં એની જરૂરિયાતો નજર સામે રાખી એનું મૉર્ડનાઇઝેશન કરવામાં આવી રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમને આવનારાં પચાસ વર્ષના વિઝન સાથે આગળ વધવા ગાઇડ કર્યા છે. એ અંતર્ગત અમે પનવેલમાં કોચિંગ ટર્મિનલ બનાવી રહ્યા છીએ. ભવિષ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની છે એથી એને પહોંચી વળવા અને રેલવેનું ઑપરેશન સરળતાથી ચાલે એ માટે એ બહુ ઉપયોગી થઈ પડશે. તેમણે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટને જોડતા ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેનું કામ હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આ કૉરિડોર ચાલુ થયા બાદ ગુડ્સ ટ્રેનો એના પરથી જ દોડાવાશે, જેને કારણે લોકલ અને લાંબા અંતરની પૅસેન્જર ટ્રેનો વધુ સારી રીતે અને ઝડપથી દોડાવી શકાશે.