02 August, 2025 07:48 AM IST | Mumbai | Mehul Jethva
રાયગડ પોલીસે જપ્ત કરેલી માલમતા સાથે આરોપીઓ.
અલીબાગમાં રહેતા ૮૩ વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને મે અને જૂન મહિનામાં ૬૬ લાખ રૂપિયા પડાવી લેવાના આરોપસર રાયગડ સાઇબર પોલીસે જૌનપુર, હરદોઈ, નોએડા અને દિલ્હીથી ૧૧ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ કૉર્પોરેટ લેવલનું કૉલ-સેન્ટર ચલાવીને લોકો સાથે અલગ-અલગ કાર્યપદ્ધતિથી છેતરપિંડી કરતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસે આશરે ૬૧૭૫ સિમ કાર્ડ જપ્ત કર્યાં હતાં જેનાથી તેમણે છેલ્લા બે મહિનામાં ૬૨,૯૨,૦૭૮ લોકોને છેતરપિંડી માટે ફોન કર્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
રાયગડ સાઇબર વિભાગનાં સિનિયર ઇન્સ્પેક્ટર રિઝવાના નફાદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાથી બોલતા હોવાનું કહીને અજાણ્યા યુવાને સિનિયર સિટિઝનની અંગત માહિતી લીધા બાદ વિડિયો-કૉલ કર્યો હતો. એમાં સામેની વ્યક્તિએ પોલીસના યુનિફૉર્મમાં વાત કરી હતી. એ સમયે વિવિધ કારણો આપીને ધમકાવ્યા બાદ ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં ફરિયાદી પાસેથી ૬૬ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એની ફરિયાદ નોંધાતાં અમે પ્રાથમિક તપાસમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો એની માહિતી કાઢી ત્યારે એ ફોન પનવેલના કૉલ-સેન્ટરમાંથી આવ્યા હોવાની જાણ થઈ હતી. એ કૉલ-સેન્ટર જૌનપુરના આરોપીઓ ઑપરેટ કરતા હોવાની જાણ થતાં અમે ચારે આરોપીઓની જૌનપુરથી ધરપકડ કરી હતી. તેમની સાથે ફોન માટે લૅન્ડલાઇન નંબરો પૂરા પાડનારા બીજા બે આરોપીની પણ અમે ધરપકડ કરી હતી. તેમની પાસેથી માહિતી મેળવીને વધુ તપાસ કરતાં ઉત્તર પ્રદેશના હરદોઈ સુધી અમારી ટીમ પહોંચી હતી. ત્યાંના એક કૉલ-સેન્ટર પર છાપો મારતાં આશરે એક કિલો એટલે કે ૬૧૭૫ વિવિધ કંપનીનાં સિમ કાર્ડ અમને મળી આવ્યાં હતાં. ટેક્નિકલ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં આ સિમ કાર્ડ દ્વારા ૬૨,૯૨,૦૭૮ લોકોને છેતરપિંડી માટે ફોન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. એમાંથી મહારાષ્ટ્રમાં ૮૬,૯૧૦ લોકોને છેતરપિંડી માટે ફોન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો પણ થયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં અમે ૧૧ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.’
ધરપકડ કરાયેલા આરોપીઓ
અબ્દુલ બારભુયન, બિલાલ અહમદ, નદીમ અહમદ, લારૈબ ખાન, શાદાન ખાન, મોહમ્મદ ખાન, બલમોરી રાવ, ગંગાધર મુટ્ટન, અભય મિશ્રા, મોહસિન ખાન અને શમ્સ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અભય મિશ્રા અને નદીમ અહમદ માસ્ટરમાઇન્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આરોપીઓની માલમતા જપ્ત કરવામાં આવશે
માસ્ટરમાઇન્ડ અભય મિશ્રાએ લોકો સાથે છેતરપિંડી કરીને ગ્રેટર નોએડામાં એક ફ્લૅટ, ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ફ્લૅટ અને નેપાલમાં એક મોટો બંગલો ખરીદ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત તેના બૅન્ક-ખાતામાં ૮૫ લાખ રૂપિયા હોવાની જાણકારી પોલીસને મળતાં આ તમામ પૈસા સાઇબર છેતરપિંડી કરીને ભેગા કર્યા હોવાની ખાતરી થઈ હતી. પોલીસે આ તમામ માલમતા જપ્ત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.