07 March, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધારાવીમાં કૉન્ગ્રેસના સંસદસભ્યને ઘેરી વળેલા લોકો.
ગઈ કાલે દિલ્હીથી મુંબઈ આવેલા કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી ધારાવી જઈને ત્યાંની લેધર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને મળ્યા હતા. લેધરના હબ ગણાતા ધારાવીમાં ચર્મકારોને કેવી-કેવી તકલીફોનો સામનો કરવો પડે છે એ સમજવા માટે તેઓ ત્યાં ગયા હતા.
રાહુલ ગાંધીએ સુધીર રાજભરના ચમાર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ સ્ટુડિયો રીસાઇકલ્ડ ટાયરમાંથી ઇનોવેટિવ હૅન્ડક્રાફ્ટેડ બૅગ્સ બનાવવા માટે જાણીતો છે. ધારાવીમાં લેધરનાં ૨૦,૦૦૦થી વધારે કારખાનાં છે જેમાં એક લાખથી વધારે કારીગરો કામ કરે છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ધારાવીમાં લેધરનાં કારખાનાંમાં કામ કરતા વર્કરો સાથે વાત કરીને તેમને શું તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે એની ચર્ચા કરી હતી. આ સિવાય અમુક લોકોએ તેમની સાથે ધારાવી રીડેવલપમેન્ટ વિશે પણ ચર્ચા-વિચારણા કરી હતી.
ગઈ કાલે રાત્રે મુંબઈમાં જ રહ્યા બાદ આજે તેઓ ગુજરાતમાં રહેવાના છે. પાર્ટીના નેતાઓ સાથે તેમણે કોઈ ઔપચારિક બેઠક નહોતી કરી.