12 March, 2026 07:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ બુધવારે સંસદમાં પ્રી-પેઇડ મોબાઇલ રીચાર્જની ગેરરીતિ પર ચિંતા વ્યક્ત કરીને દલીલ કરી હતી કે વર્તમાન સિસ્ટમ ગ્રાહકો પર અન્યાયી બોજ નાખે છે. તેમણે ટેલિકૉમ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ૨૮ દિવસની રીચાર્જ-સાઇકલ અને યુઝર્સના પ્લાન સમાપ્ત થયા પછી તેમના પર લાદવામાં આવતા પ્રતિબંધો પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
રાઘવ ચઢ્ઢાએ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ૨૮ દિવસની રીચાર્જ-સાઇકલની ટીકા કરીને એને એક કૌભાંડ ગણાવતાં કહ્યું હતું કે ‘વર્ષમાં ૧૨ મહિના હોય છે, પરંતુ તમારે ૧૩ વાર રીચાર્જ કરવું પડે છે. પ્રી-પેઇડ રીચાર્જના ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે.’
ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મેં સંસદમાં પ્રી-પેઇડ રીચાર્જમાં ગ્રાહકોની થઈ રહેલી લૂંટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો તમારું રીચાર્જ સમાપ્ત થઈ જાય તો આઉટગોઇંગ કૉલ્સ બ્લૉક કરવામાં વાંધો નથી, પરંતુ ઇનકમિંગ કૉલ્સ બ્લૉક કરવા એ મનસ્વી છે. રીચાર્જ સમાપ્ત થતાંની સાથે જ ન તો કોઈ તમારો સંપર્ક કરી શકે છે, ન તો વન ટાઇમ પાસવર્ડ (OTP) જેવા આવશ્યક મેસેજ તમારા ફોન સુધી પહોંચે છે. કટોકટીની પરિસ્થિતિમાં વ્યક્તિ લાચાર બની જાય છે.