11 March, 2025 06:58 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણે-અહિલ્યાનગર રોડ પરના શાસ્ત્રીનગર ચોકમાં આલીશાન BMW કાર રસ્તામાં ઊભી રાખીને જાહેરમાં પેશાબ અને અશ્લીલ હરકતો કરવાના આરોપસર પોલીસે શનિવારે રાત્રે પચીસ વર્ષના ગૌરવ આહુજા અને તેના બાવીસ વર્ષના ફ્રેન્ડ ભાગ્યેશ ઓસવાલની ધરપકડ કરી હતી. કોર્ટે બન્ને આરોપીને એક દિવસ પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે ભાગ્યેશ ઓસવાલની શનિવારે સાંજે તેના ઘરેથી ધરપકડ કરી હતી. એના થોડા સમય બાદ કાર ચલાવનારા ગૌરવ આહુજાને સાતારા જિલ્લામાં આવેલા કરાડમાંથી તાબામાં લેવામાં આવ્યો હતો અને ગઈ કાલે વહેલી સવારે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક યુવક રસ્તામાં આલીશાન કાર ઊભી રાખીને જાહેરમાં પેશાબ અને અશ્લીલ હરકત કરતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં શનિવારે વાઇરલ થયો હતો. એ જોયા બાદ લોકોએ આવી હરકત કરનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.