પીડિતા પોતાનો જીવ બચાવવા નરાધમ સામે સરેન્ડર થઈ હતી

04 March, 2025 12:00 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પૈસા આપીને સંમતિથી સંબંધ બાંધ્યો હોવાની આરોપીની વાતમાં કોઈ પણ તથ્ય નહીં હોવાનો પોલીસે કર્યો દાવો : પુણેના બળાત્કાર-કેસની અત્યાર સુધીની પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે...

દત્તાત્રય ગાડે

પુણેના સ્વારગેટ ડેપોમાં બસની અંદર યુવતી પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા દત્તાત્રય ગાડેએ કોર્ટમાં તે યુવતીને ઓળખતો હોવાનું અને તેને સાડાસાત હજાર રૂપિયા આપીને શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો દાવો કર્યો હતો. તેના વકીલે કોર્ટને કહ્યું હતું કે યુવતી સંમતિથી મારા અસીલ સાથે બસમાં ગઈ હતી એટલે બળાત્કારનો કેસ બનતો જ નથી. જોકે પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ખોટું બોલી રહ્યો છે અને તેણે યુવતીને એક પણ રૂપિયો આપ્યો નહોતો અને તેને ઓળખતો પણ નથી.

ઘટનાના દિવસે શું બન્યું હતું એની માહિતી એક પોલીસ-અધિકારીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘આરોપી દત્તાત્રય ગાડેએ યુવતીને પોતાની ઓળખ બસના કન્ડક્ટર તરીકે આપી હતી એટલે તેના પર વિશ્વાસ મૂકીને યુવતી લાઇટ બંધ હોવા છતાં બસમાં ચડી હતી. બસમાં ચડ્યા બાદ આરોપીએ બસનો દરવાજો બંધ કરી દીધા બાદ યુવતીને ધક્કો મારીને સીટ પર પછાડી દીધી હતી. યુવતી અવાજ ન કરી શકે એ માટે તેના મોઢા પર હાથ મૂકવાની સાથે ગળું દબાવવાનો પ્રયાસ આરોપીએ કર્યો હતો. આરોપી પોતાને મારી નાખશે એવા ડરથી ગભરાઈ ગયેલી યુવતીએ આરોપીને તારે જે કરવું હોય એ કર પણ જીવતી રહેવા દે એવી આજીજી કરી હતી. આથી આરોપીએ યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો. આમ છતાં યુવતીએ થોડીઘણી બૂમો પાડી હતી, પરંતુ બસના કાચ બંધ હતા એટલે તેનો અવાજ બહાર નહોતો ગયો. યુવતી ખૂબ જ ગભરાયેલી હોવાથી આરોપીએ એનો ફાયદો લઈને થોડા સમય પછી બીજી વખત બળાત્કાર કર્યો હતો. એ પછી આરોપી બસમાંથી બહાર નીકળીને પલાયન થઈ ગયો હતો.’

બસમાં જે પણ થયું છે એ યુવતીની સંમતિથી થયું છેઃ આરોપીની પત્ની
બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા દત્તાત્રય ગાડેની પત્નીએ દાવો કર્યો છે કે ‘તેનો પતિ ગુનાટ ગામથી પુણેમાં ગુલટેકડી વિસ્તારમાં શાકભાજી વેચવા માટે ગયો હતો. શાકભાજી વેચ્યા બાદ તે ગુનાટ ગામ આવવા માટે સ્વારગેટ બસ ડેપોમાં બસ પકડવા ગયો હતો. બસમાં જે કંઈ થયું છે એ સંમતિથી થયું છે. ન્યાયવ્યવસ્થા પર અમને 
વિશ્વાસ છે.’

pune pune news rape case sexual crime crime news mumbai crime news mumbai police news mumbai mumbai news