12 August, 2025 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જીપ ૪-૫ પલટી ખાઈને પટકાતાં મહિલાઓ ગંભીર રીતે ઘવાઈ હતી.
શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે ગઈ કાલે મહિલાઓ પુણેના ખેડ તાલુકામાં આવેલા પાઈ-કોહિંડે પાસે આવેલા કુંડેશ્વર મહાદેવનાં દર્શન કરવા નીકળી હતી. બપોરે એકથી સવા વાગ્યા દરમ્યાન તેમના વાહનના ડ્રાઇવરે ઘાટ સેક્શનમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. એવું કહેવાય છે કે તેમની પિકઅપ જીપ ચડાણ પર અટકી ગઈ હતી અને પછી એ રિવર્સમાં જતાં ડ્રાઇવર એને કન્ટ્રોલ નહોતો કરી શક્યો અને ગાડી વીસથી ૨૫ ફુટ ઊંડી ખાઈમાં પટકાઈ હતી. ગાડી ૪–૫ પલટી મારીને ખીણમાં ગબડી ગઈ હતી. આ ઘટનામાં ૧૦ મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦ મહિલાઓ જખમી થઈ હતી.
૪ લાખ રૂપિયાનું વળતર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ ઘટના બાદ ઘાયલોને યોગ્ય અને ઝડપી મેડિકલ ટ્રીટમેન્ટ આપવા અધિકારીઓને આદેશ આપ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાઓના પરિવારને દિલસોજી વ્યક્ત કરી હતી અને તેમના પરિવારોને રાજ્ય સરકાર તરફથી ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.