16 May, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખેપાની દિમાગ : સારવારના પૈસા માટે હૉસ્પિટલમાં બૉમ્બ મૂકીને ખંડણી વસૂલ કરવાનો પ્લાન બનાવનાર આરોપી શિવાજી રાઠોડ.
બુધવારે પુણેના હડપસરની ઉષાકિરણ હૉસ્પિટલના ટૉઇલેટમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ (IED) મૂકીને આખા શહેરમાં ફફડાટ ઊભો કરનારા આરોપીને બે દિવસ બાદ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ નાગપુર રેલવે-સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. જોકે આ કેસમાં નવો અને વિચિત્ર વળાંક આવ્યો છે. આતંકી ઘટના મનાતી આ ઘટના ખરેખર તો ખંડણી વસૂલ કરવાનું કાવતરું હોવાનું પોલીસને આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું. ATS શાલીમાર એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા આરોપી શિવાજી રાઠોડની ધરપકડ કરીને નાગપુર ATSની ઑફિસે લઈ ગઈ હતી, જ્યાં તેની પૂછપરછ દરમ્યાન તેની યોજના ખંડણી વસૂલ કરવાની હોવાની જાણ થઈ હતી.
ATSના અધિકારીએ જણાવ્યા અનુસાર મૂળ સોલાપુરનો આરોપી પુણેના મંજરીમાં દુકાન ધરાવે છે, જ્યાંથી તેમને IEDમાં લગાવેલા ટાઇમરનું ખાલી બૉક્સ મળ્યું હતું. તે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી પશ્ચિમ બંગાળના હાવડા ભાગી જવાની પેરવીમાં હતો.
પોલીસે જણાવ્યા મુજબ આરોપીને પોતાની સારવાર માટે સાત લાખ રૂપિયાની જરૂર હતી અને એની વ્યવસ્થા કરવા તેણે હૉસ્પિટલમાં બૉમ્બ મૂક્યો હતો. તેની યોજના ડરાવ્યા બાદ ધમકીભર્યા ફોન કરીને ખંડણી વસૂલવાની હતી.
પોલીસે જણાવ્યા અનુસાર આરોપીએ યુટ્યુબ પરથી ટાઇમબૉમ્બ જેવું દેખાતું ડિવાઇસ બનાવવાનું શીખ્યા બાદ ઑનલાઇન ટાઇમર ક્લૉક મગાવી હતી. આ ડિવાઇસ બનાવવા માટે આરોપીના ફક્ત ૪૦૦ રૂપિયા ખર્ચાયા હતા. જોકે ૧૦૦૦ પોલીસની મદદથી તેને પકડવા હાથ ધરાયેલા સર્ચ-ઑપરેશનમાં ૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પાઇપ, ટાઇમર ક્લૉક અને ઍડહેસિવ ટેપ્સ સાથે આ ડિવાઇસ બનાવાયું હતું. આરોપીએ ઍડહેસિવ ટેપ ખરીદવા ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું એના આધારે તેનું લોકેશન મેળવીને તેને પકડ્યો હતો. તેના ઘરમાંથી બે કિલો ગાંજો પણ મળ્યો હતો, જેની અલગથી તપાસ કરવામાં આવશે. આરોપીની યોજના નેપાલમાં રહેતી તેની બહેનના ઘરે ભાગી જવાની હોવાની માહિતી પોલીસે આપી હતી.
પોલીસે આરોપીની શોધ માટે હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો અને ૧૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ તેમ જ સત્તરથી ૧૮ શંકાસ્પદોની ઊલટતપાસ પછી આરોપીની ઓળખ કરી હતી. ત્યાર પછી તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું જે નાગપુરમાં હોવાનું જણાયું હતું. આરોપી શિવાજી રાઠોડ શાલીમાર એક્સપ્રેસમાં પ્રવાસ કરતો હોવાની જાણ થયા બાદ નાગપુર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર છટકું ગોઠવીને તેને પકડી લેવાયો હતો.