પુણેમાં DJની ટ્રક ૭ લોકો પર ફરી વળી, ૨૧ વર્ષના યુવકે જીવ ગુમાવ્યો

12 September, 2025 09:05 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણે જિલ્લાના જુન્નર શહેરમાં સ્થાનિક નેતાની વર્ષગાંઠ મનાવવા માટે એક રૅલી કાઢવામાં આવી હતી. એમાં ડિસ્ક જૉકી (DJ)ની ટ્રક ૭ લોકો પર ફરી વળી હતી

પ્રતીકાત્મક તસવીર

પુણે જિલ્લાના જુન્નર શહેરમાં સ્થાનિક નેતાની વર્ષગાંઠ મનાવવા માટે એક રૅલી કાઢવામાં આવી હતી. એમાં ડિસ્ક જૉકી (DJ)ની ટ્રક ૭ લોકો પર ફરી વળી હતી. આ ટક્કરને કારણે ૨૧ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો અને બાકીના ૬ લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે બપોરે જિલ્લા પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષની વર્ષગાંઠ હોવાથી રૅલી કાઢવામાં આવી હતી. અમુક લોકો DJની ટ્રકની આગળ નાચી રહ્યા હતા. DJની ટ્રકના ડ્રાઇવરને આ વાતનો ખ્યાલ નહોતો એટલે તેણે ટ્રક આગળ ચલાવી. એને લીધે આગળ મંજીરા લઈને નાચી રહેલા ગ્રુપના ૭ લોકો ટ્રકની અડફેટે આવી ગયા હતા. એમાંથી ૨૧ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો અને અન્ય ૬ લોકોને ગંભીર ઈજા થઈ હતી.

લોકોએ પોલીસ-ફરિયાદ કરીને સ્થાનિક નેતા, તેના દીકરા અને DJ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસે બુધવારે રાતે ટ્રક ચલાવનાર ડ્રાઇવર, DJ, નેતા અને તેના પુત્ર વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.

mumbai news mumbai pune news pune maharashtra news maharashtra road accident Crime News