07 March, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના પુણે-સાતારા રોડ પર આવેલા બિબવેવાડી વિસ્તારમાં રહેતો ૩૫ વર્ષનો હીરાનો વેપારી તીથલ શાહ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. તે લાપતા થયો એ પછી તેની પત્નીને ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારા પતિનું અપહરણ કરવામાં આવ્યું છે, તેને છોડાવવા માટે બે કરોડ રૂપિયાની રકમ આપવી પડશે, આ રકમની વ્યવસ્થા કરો, રકમ ક્યાં પહોંચાડવાની છે એની માહિતી થોડી વાર પછી કૉલ કરીને આપીશું.
પતિ ગાયબ થવાની સાથે બે કરોડ રૂપિયાની માગણી કરતો કૉલ આવતાં તીથલ શાહની પત્નીએ બિબવેવાડી પોલીસ-સ્ટેશનમાં પતિના અપહરણ થવાની ફરિયાદ નોંધાવી હતી. તીથલ શાહનું કોઈ નજીકની વ્યક્તિએ અપહરણ કર્યું છે એવી શંકા સાથે પોલીસને એવી પણ શંકા છે કે તે પોતે જ ગાયબ થઈ ગયો હોઈ શકે છે.
બિબવેવાડી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શંકર સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં મુંબઈમાં રહેતો તીથલ શાહ પરિવાર સાથે થોડા સમય પહેલાં જ પુણે રહેવા આવ્યો હતો. તે ઘરમાંથી જ ડાયમન્ડનો વેપાર કરે છે. જે રીતે તીથલ શાહનું અપહરણ કરવામાં આવ્યું છે એના પરથી લાગે છે કે તેની નજીકની વ્યક્તિનો આ મામલામાં હાથ હશે. વેપારી પાસે ડાયમન્ડ હોવાની પણ માહિતી હશે એના આધારે બે કરોડ રૂપિયા જેટલી મોટી રકમની ખંડણી માગવામાં આવી છે. બીજું, ઘટનાસ્થળ અને આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં વેપારીનું અપહરણ થયું હોવાનાં કોઈ ફુટેજ હાથ નથી લાગ્યાં. આથી પોતે જ કોઈક કારણસર ગાયબ થઈ ગયો હોવાની શંકા પણ ઊપજે છે. અમારી ટીમ કામે લાગી છે, પણ હજી સુધી અપહરણ કરનારાઓ કે તીથલ શાહનો પત્તો નથી લાગ્યો.’
ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં ગયેલી દીકરીને લેવા માટે વેપારી તીથલ શાહ ગુલટેકડી વિસ્તારમાં ગયો હતો. દીકરીને સ્કૂલમાંથી લઈને કારમાં આવેલી પત્નીને સોંપી હતી અને પોતાને કામ હોવાનું કહીને વેપારી જતો રહ્યો હતો. બાદમાં વેપારીની પત્નીને અજાણ્યા નંબરથી કૉલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તીથલ શાહનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને છોડાવવો હોય તો બે કરોડ રૂપિયા આપવા પડશે. ખંડણી માગવાનો કૉલ આવ્યા બાદ વેપારીની પત્નીએ બિબવેવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.