10 September, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૂણે (Pune Crime)ના પિંપરી-ચિંચવડમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં ફરિયાદ કરનાર કપલ આઈએનઓએક્સ મલ્ટિપ્લેક્સમાં હોરર ફિલ્મની સ્ક્રીનીંગમાં ગયું હતું. વાત એમ બની કે એક બીજું કપલ પણ અહીં આવ્યું હતું. જેમાં પતિએ ફિલ્મ જોઈ રહેલી તેની પત્નીને ફિલ્મની સ્ટોરી કહેવાનું શરુ કરી દીધું. એ પણ મોટેમોટેથી. ત્યાં હાજર ફરીયાદીના કાને પણ આ ભાઈની વાતો પડી એટલે તેણે આ ભાઈને પોતાની પત્નીને ફિલ્મની સ્ટોરી ન કહેવા કહ્યું ત્યારે ગુસ્સે ભરાયેલા ભાઈએ તો ફરીયાદી ટેકનિશિયનની જ ધોલાઈ કરી નાખી. અને જ્યારે ટેકનિશિયનની પત્ની વચ્ચે પડી તો આ કપલે ફરીયાદી કપલને પણ મારવાનું શરુ કરી નાખ્યું. કહે છે કે આ ભાઈ અને એની પત્નીએ મળીને થિયેટરમાં જબરો હંગામો મચાવી નાખ્યો હતો અને ફરીયાદી કપલ સાથે ખરાબ વર્તન કર્યું હતું.
આખરે શું બન્યું હતું એ દિવસે? આવો, સમજીએ આખી બીનાને....
આ ઘટના (Pune Crime) પિંપરી ચિંચવડમાં આવેલ એક એક ફિલ્મ થિયેટરની અંદર બની હતી. એક ભાઈ પોતાની પત્નીને લઈને હોરર ફિલ્મ જોવા ગયા હતા. બન્યું એવું કે આ ભાઈ પોતાની પત્નીને હોરર ફિલ્મ `ધ કોન્જ્યુરિંગ-લાસ્ટ રાઇટ્સ` ની સ્ટોરી કહેવા લાગી ગયા. આ ભાઈ તેની પત્નીને થિયેટરમાં પાછળની હરોળમાં બેઠાં બેઠાં મોટેમોટેથી ફિલ્મની સ્ટોરી કહી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર એક અન્ય સોફ્ટવેર પ્રોફેશનલ પણ તેની પત્નીને લઈને ફિલ્મ જોવા આવ્યો હતો. સોફ્ટવેર પ્રોફેશનલે પેલા ભાઈને આવું કરવા બાબતે રોક્યા હતા. હવે જ્યારે આ ભાઈ ચાલતી ફિલ્મની વચ્ચે જ સ્ટોરીનો હાર્દ કહી નાખે તો પછી ફિલ્મ જોનારાઓમાં સસ્પેન્સ મરી જાય. વળી, એ એટલું મોટેમોટેથી બોલતા હતા કે થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા બીજા પ્રેક્ષકો પણ ડીસ્ટર્બ થઇ રહ્યા હતા. અને એવું ન થાય એની માટે ટેકનીશીયને પેલા ભાઈને સમજાવવાની કોશિશ કરી હતી. પણ માથાફરેલ પેલા ભાઈએ તો પોતાનું અસલ રૂપ બતાવ્યું હતું અને આ ભાઈએ તો ગુસ્સામાં આવીને ફરીયાદી ૨૯ વર્ષીય સોફ્ટવેર પ્રોફેશનલને ગાળો આપવાનું શરુ કરી નાખ્યું હતું. એટલું જ નહીં આ ભાઈએ તો પોતાને સમજાવવા આવેલા ટેકનિશિયનની બરાબરની ધોલાઈ (Pune Crime) પણ કરી નાખી હતી.
આરોપીએ માર માર્યો એટલે ટેકનિશિયનને ઈજાઓ થઇ હતી – પોલીસમાં ફરિયાદ કરવામાં આવી
આ ભાઈએ અને એની પત્નીએ મળીને ટેકનિશિયનને એવો માર (Pune Crime) માર્યો હતો કે પેલાને ઈજાઓ થઈ હતી. એની પત્ની સાથે પણ ખરાબ વર્તન કરાયું. ટેકનિશિયને ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે પેલા ભાઈએ તેનો કોલર ખેંચ્યો હતો અને જોરથી મુક્કો માર્યો હતો. વળી તેના ચહેરા અને પેટ પર લાત મારી હતી. તેણે તરત આ મામલે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૭ (જાહેરમાં ગુના માટે ઉશ્કેરણી) ૧૧૫ (ઉશ્કેરણી) ૩૫૨ (કથિત હુમલો કરવો) અને સંબંધિત જોગવાઈઓ હેઠળ ચિંચવડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ કહી રહ્યા છે કે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.